Western Times News

Gujarati News

ઈરાન યુદ્ધમાં અમેરિકા તટસ્થ રહેવા માગતુ નથી USA ઈરાન વિરૂદ્ધ કોઈ મોટું પગલું લઈ શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પ જી-૭ છોડી વોશિંગ્ટન પરત ફર્યા

(એજન્સી)નવીદિલ્હી, કેનેડામાં આયોજિત જી૭ સમિટને અધવચ્ચે જ અધૂરી મૂકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પરત ફર્યા છે. ટ્રમ્પે પોતાની આ વાપસી પહેલાં જ કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે. તેમણે પોતાની વાપસીનું કારણ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ આપ્યું છે. જેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે, હવે અમેરિકા ઈરાન વિરૂદ્ધ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

ટ્રમ્પે કેનેડામાંથી પરત વોશિંગ્ટન જતી વખતે નિવેદન આપ્યું હતું કે, પ્રશંસા મેળવાની ઈચ્છા રાખતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું છે કે, હું કેનેડામાં જી૭ શિખર સંમેલન છોડી પરત વોશિંગ્ટન જઈ રહ્યો છું, જેથી ઈરાન- ઈઝરાયલ વચ્ચે સીઝફાયર પર કામ કરી શકું. પરંતુ તે વાત ખોટી છે. તેમને ખબર નથી કે, હું શા માટે વોશિંગ્ટન પરત ફરી રહ્યો છું.

પરંતુ નિશ્ચિત રૂપે સીઝફાયર માટે તો નહીં. તેનાથી પણ કંઈક મોટુ થવાની શક્્યતા છે… જાણી જોઈને અથવા અજાણતા ઈમેન્યુઅલ હંમેશા ખોટા જ નિવેદનો આપે છે.જ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. એવામાં ટ્રમ્પના આ પ્રકારના નિવેદન સંકેત આપી રહ્યા છે, બંને દેશો વચ્ચે વધુ ભયાનક યુદ્ધ થશે.

કારણકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે, બંને દેશો સીઝફાયર તો કરી રહ્યા નથી. વધુમાં અમેરિકા પણ ઈચ્છતું નથી કે, બંને દેશો વચ્ચે સીઝફાયર થાય. ટ્રમ્પે ઈરાનને ઝૂકવા માટે અનેક અપીલ અને ધમકીઓ આપી છે. પરંતુ ઈરાન ટસનું મસ થઈ રહ્યું નથી. અત્યારસુધી અમેરિકાએ આ યુદ્ધમાં પોતાની દખલગીરી ન હોવાની સ્પષ્ટતા આપી છે.

પરંતુ ટ્રમ્પના વર્તમાન નિવેદન પરથી લાગી રહ્યું છે કે, હવે આ યુદ્ધમાં અમેરિકા તટસ્થ રહેવા માગતુ નથી. તે ઈરાન વિરૂદ્ધ કોઈ મોટું પગલું લઈ શકે છે. જી૭ સમિટમાં તમામ દેશો ઈઝરાયલને જાહેરમાં સમર્થન આપી રહ્યા છે. ઈરાન પર તણાવ ઘટાડવા પ્રેશર બનાવી રહ્યા છે.

જી૭ના સભ્યોએ ઈરાનને સલાહ આપી છે કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી શકે નહીં. ઈઝરાયલ પોતાના સ્વરક્ષણ માટે પગલાં લેવા હકદાર છે. આ શિખર સંમેલનમાં ઈઝરાયલને જાહેરમાં સમર્થન મળી રહ્યું છે. એવામાં ઈઝરાયલ ઈરાન પર વધુ જોર સાથે હુમલાઓ કરવા સક્ષમ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.