દિલ્હીમાં વરસાદથી જળબંબાકાર ટ્રાફિકજામ, અનેક ફ્લાઇટ ડાયવર્ટ

આજનો દિવસ પણ ભારે, લોકોને ઘરમાં રહેવા અપીલ
દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
નવી દિલ્હી, ઘણા દિવસોની ગરમી બાદ દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો. એક તરફ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી તો બીજી તરફ રસ્તાઓ પર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, ઘણી જગ્યાએ ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. તેમજ પ્રતિકૂળ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ૧૨ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ધોધમાર વરસાદને કારણે દિલ્હી કેન્ટોનમેન્ટ નજીકના અંડરપાસ, ઝાખીરા અંડરપાસ, પુલ પ્રહલાદપુર, ITO અને દિલ્હી નજફગઢ રોડ અને દિલ્હી રોહતક રોડ જેવા અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD) આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં હળવાથી મધ્યમ વરસાદ અને ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે લોકોને ઘરની અંદર રહેવાની અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.ss1