Western Times News

Gujarati News

૫૦૦થી વધુ સ્કૂલે પૂરક પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓને ન આપી

પ્રતિકાત્મક

રાજ્યમાં આગામી ૨૩મી જૂનથી પૂરક પરીક્ષા શરૂ થવાની છે

હોલ ટિકિટ બોર્ડ દ્વારા વેબસાઇટના માધ્યમથી ગત ૧૨મી જૂનના રોજ શાળાઓને મોકલી આપવામાં આવી હતી

અમદાવાદ,રાજ્યમાં આગામી ૨૩મી જૂનથી પૂરક પરીક્ષા શરૂ થવાની છે ત્યારે હજુ સુધી ૫૩૦ જેટલી સ્કૂલોમાં ધો.૧૦ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ડાઉનલોડ થતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. બોર્ડ દ્વારા ગત ૧૨મી જૂનના રોજ હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે.

આમ છતાં સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં ન આવતાં બોર્ડ દ્વારા ખાસ તાકીદ કરવાની ફરજ પડી હતી.ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આગામી ૨૩મી જૂનથી શરૂ થવાની છે. પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવાના છે તેમની હોલ ટિકિટ બોર્ડ દ્વારા વેબસાઇટના માધ્યમથી ગત ૧૨મી જૂનના રોજ શાળાઓને મોકલી આપવામાં આવી હતી.

સ્કૂલોએ આ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને તેની ખરાઇ કર્યા બાદ વિદ્યાર્થીનો ફોટો લગાવીને વર્ગશિક્ષિકની સહી સાથે, આચાર્યની સહી કરીને વિદ્યાર્થીઓનો હોલ ટિકિટ આપવાની હોય છે. પરીક્ષા આગામી ત્રણ દિવસ પછી શરૂ થવાની છે ત્યારે હજુ સુધી રાજ્યની ૫૦૦થી વધારે સ્કૂલોએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ જ આપી ન હોવાની વિગતો બહાર આવી છે.

આ પ્રકારની ફરિયાદ બોર્ડ સુધી પહોંચતાં તાકીદે બોર્ડ દ્વારા દરેક સ્કૂલોને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પહોંચતી કરવા તાકીદ કરવામાં આવી છે. શાળાઓની બેદરકારીને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઇ હોવાને કારણે તાકીદે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પહોંચતી કરવા આદેશ કરવામાં આવ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.