Western Times News

Gujarati News

ફક્ત ૨૫ મિનિટમાં અમેરિકાએ ઈરાનમાં હાહાકાર મચાવ્યો

અમેરિકાએ ઈરાનના અણુ મથકો ઉડાવ્યા- અમેરિકાએ ફાઈટર પ્લેનોની સાથે ૭ બી-૨ બોમ્બર પણ મોકલ્યાઃ અણુ મથકો ઉપર એક ડઝનથી વધુ બોમ્બ વરસાવ્યા

અમેરિકાએ ૧૨૫ જેટલા ફાઈટર પ્લેન ઈરાનમાં મોકલ્યા-દરેક બોમ્બર્સે ૩૦,૦૦૦ પાઉન્ડ વજનના ખાસ બોમ્બ ફેંક્યા હતા, જેને ‘મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર’ કહેવામાં આવે છે.

(એજન્સી)પેન્ટાગોના, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મુદ્દે બે અઠવાડિયાનો સમય લીધો હતો. પરંતુ, ઈરાન ખૂબ જ ઝડપથી અણુ બોમ્બ બનાવવાની નજીક હોવાથી અને ઈઝરાયલ પાસે આ અણુ મથકો ઉડાવવા માટે બંકર બસ્ટર બોમ્બ અને બી-૨ ફાઈટર બોમ્બર પ્લેનનો હોવાથી ભારતીય સમય પ્રમાણે શનિવારે મોડી રાત્રે અમેરિકાએ ૧૨૫ જેટલા ફાઈટર પ્લેન ઈરાનમાં મોકલ્યા હતા USA bombed nuclear sites of Iran.

અને તેમાં બસ્ટર બોમ્બથી સજ્જ ફાઈટર બોમ્બર પણ હતા. અમેરિકાના ફાઈટર પ્લેનોએ ઈરાનના અણુ મથકો ઉપર હુમલો કરતાં જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ત્રણ જેટલાં અણુ મથકો ઉડાવી દીધા હોવાનો દાવો કરાયો છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર માહિતી જાહેર કરતાં જ તેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યાં છે. રશિયા, ચીન સહિતના દેશો ઈરાનની તરફેણમાં આગળ આવ્યાં છે.

જ્યારે જી-૭ દેશો અમેરિકાની તરફેણમાં આગળ આવ્યાં છે. અણુ મથકો ઉડાવતાં રેડીએશનનો મોટો ખતરો ઉભો થયો છે. ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હુમલા બાદ, રવિવારે પેન્ટાગોન (યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર) ખાતે ટોચના યુએસ અધિકારીઓએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેને યુએસ ડિફેન્સ મિનિસ્ટર પીટ હ્યુજેસેથ અને જોઈન્ટ ચીફ્‌સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેન દ્વારા સંબોધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ લશ્કરી કાર્યવાહી ખૂબ જ સચોટ અને સફળ હતી.

અમેરિકાએ રવિવારની વહેલી સવારે ઈરાન સામે ખૂબ જ ગુપ્ત અને મોટી લશ્કરી કાર્યવાહી કરી. આ કાર્યવાહીને ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ નામ આપવામાં આવ્યું છે. પેન્ટાગોન અનુસાર, આ કાર્યવાહીમાં ૧૨૫ થી વધુ યુએસ ફાઇટર પ્લેન અને મિસાઈલ સામેલ હતા. જોઈન્ટ ચીફ્‌સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને રવિવારે જણાવ્યું હતું કે આ હુમલો ઈરાનના બે મુખ્ય પરમાણુ કેન્દ્રો – ફોર્ડો અને નાતાન્ઝ પર કરવામાં આવ્યો હતો.

આ સાથે, ઇસ્ફહાન શહેરમાં મિસાઈલો પણ છોડવામાં આવી હતી. જનરલ ડેન કેને કહ્યું, ‘અમે તે ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા જે સીધા તેમના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત હતા. આ કાર્યવાહી એવી રીતે કરવામાં આવી હતી કે નાગરિકોને નુકસાન ન થાય.

૧૨૫ થી વધુ અમેરિકન વિમાનો સામેલ હતા – જેમાં બોમ્બર્સ, ફાઇટર જેટ, ટેન્કર (તેલ ભરવાના વિમાનો) અને જાસૂસી વિમાનોનો સમાવેશ થાય છે. આમાં મ્-૨ સ્ટીલ્થ બોમ્બર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મિઝોરીથી ઉડાન ભરી હતી. દરેક બોમ્બર્સે ૩૦,૦૦૦ પાઉન્ડ વજનના ખાસ બોમ્બ ફેંક્યા હતા, જેને ‘મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર’ કહેવામાં આવે છે. આ બોમ્બ ભૂગર્ભમાં છુપાયેલા લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ હુમલો સાંજે ૬ઃ૪૦ વાગ્યે (પૂર્વીય સમય) શરૂ થયો હતો અને સાત વાગ્યા સુધીમાં બધા વિમાનો ઈરાની હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા હતા. આ મિશનને ૯/૧૧ પછી બી-૨ બોમ્બર્સનું સૌથી લાંબું ઉડાન ગણાવવામાં આવ્યું છે.

સંરક્ષણ પ્રધાન પીટ હ્યુજેસેથે કહ્યું કે આ કાર્યવાહી અમેરિકાની સુરક્ષા અને પશ્ચિમ એશિયામાં શાંતિ જાળવવા માટે જરૂરી હતી. તેમણે કહ્યું, ‘જો ઈરાન શાંતિનો માર્ગ અપનાવશે નહીં તો અમેરિકા વધુ કડક પગલાં લેવામાં અચકાશે નહીં.’ આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અમે ઈરાનના પરમાણુ સ્થળોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. જો ઈરાન સુધરવાનો પ્રયાસ નહીં કરે તો વધુ હુમલા કરવામાં આવશે.’ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ ઈરાન તરફથી મળતા ખતરાને અવગણી શકાય નહીં.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે પેન્ટાગોને શનિવારે ખુલાસો કર્યો કે ઓપરેશન મિડનાઈટ હેમર હેઠળ અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર માત્ર ૨૫ મિનિટમાં ચોક્કસ અને વિનાશક હુમલા કર્યા. પેન્ટાગોન અનુસાર, આ હુમલામાં કુલ સાત બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આમાં સામાન્ય નાગરિકને કોઈ નુકસાન થયું નથી. યુએસ ડિફેન્સ ચીફે કહ્યું કે તેમનો દેશ યુદ્ધ ઇચ્છતો નથી અને તેણે ઈરાની સૈનિકો કે લોકોને નિશાન બનાવ્યા નથી.

અમેરિકન બી-૨ સ્ટીલ્થ બોમ્બર્સને પહેલા પશ્ચિમ દિશામાં ઉડતા બતાવવામાં આવ્યા હતા, જેથી ઈરાનને એવો ભ્રમ થાય કે કોઈ હુમલો થયો નથી. પછી તેઓએ અચાનક દિશા બદલી અને ઇઝરાયલી હવાઈ ક્ષેત્રની નજીક પહોંચી ગયા, જ્યાંથી તેઓએ હુમલો શરૂ કર્યો. અમેરિકાએ ફોર્ડોમાં પરમાણુ કેન્દ્ર પર ૧૨ ય્મ્ેં-૫૭ બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા. અત્યાર સુધી તેને અભેદ્ય માનવામાં આવતું હતું. નાતાન્ઝ સાઇટ પર પણ બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અહીં ઈરાન તેનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ચલાવી રહ્યું હતું.

અમેરિકન સબમરીનમાંથી ૨૪ ટોમાહોક ક્રુઝ મિસાઇલો છોડવામાં આવી હતી અને નાતાન્ઝ અને ઇસ્ફહાનને નિશાન બનાવવામાં આવી હતી. આ સમગ્ર મિશન માત્ર ૨૫ મિનિટમાં પૂર્ણ થયું. પેન્ટાગોને તેને એક મહાન લશ્કરી સફળતા ગણાવી છે. યુએસ સંરક્ષણ સચિવે કહ્યું કે આ હુમલો ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને વર્ષો પાછળ ધકેલી દેશે. ઈરાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવવાની જાહેરાત કરી છે. તેહરાનને સ્વ-બચાવનો અધિકાર છે અને અમે જવાબ આપીશું, ઈરાની વિદેશ મંત્રાલયે જણાવ્યું. સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયને પ્રાદેશિક તણાવને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.