Western Times News

Gujarati News

ગુજરાતમાં ૮૩૨૬ ગ્રામ પંચાયતોમાં મતદાન પૂર્ણ: ૨૫મી જૂને પરિણામ

AI Image

(એજન્સી)અમદાવાદ, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે ૮,૩૨૬ ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં આજે (૨૨મી જૂન) સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાયું. આ દરમિયાન રાજ્યના આશરે ૮૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ ૨૫મી જૂને જાહેર થશે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની સરાડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. તેનું મુખ્ય કારણ માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવ્યું હોવું હતું. મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક બાકી હોવા છતાં, મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે મતદાનનો નિર્ધારિત સમય પૂરો થયા બાદ પણ એક કલાકથી વધુ સમય સુધી મતદાન ચાલુ રહે તેવી આશંકા જોવા મળી.

નોંધનીય છે કે, અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અહીં બે મતદાન મથકો હતાં. આ વખતે ચૂંટણી અધિકારીને બે મતદાન મથક ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં, માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવતાં મતદારોમાં ભારે રોષ અને હાલાકી જોવા મળી હતી.

ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ-દીકરો સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. એકબીજાને હરાવવા માટે બંને જણાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

કચ્છ જિલ્લામાં આજે ત્રણ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાપરના ચિત્રોડ ગામે પંચાયતની ચૂંટણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. મતદાન બાબતે ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્‌યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાવના પગલે રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મોટીહાંડી ગામે મતદાન દરમિયાન બબાલ થઈ હતી. આ દરમિયાન સરપંચ અને સભ્યોના ૪૩ બેલેટ ગુમ થતાં મતદાન બંધ કરવું પડ્‌યું હતું. મતદાન બુથમાં માથાકુટને પગલે ઝાલોદ પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરાવી હતી. ધામણખોબરા પ્રાથમિક શાળાના બુથ નંબર-૨માં ચૂંટણી પ્રક્રિયાની અમુક સામગ્રી ગુમ થતા છેલ્લા ૨ કલાકથી મતદાન બંધ કરાયું હતું.

સમગ્ર ઘટનાને દાહોદ જીલ્લા પોલીસ વડા, તેમજ ઝાલોદ જીડ્ઢસ્ અને ઝોનલ અધિકારી સહીતના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જેમાં પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્‌યો હતો. મોરબી ડાયમંડનગર પાસે પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉમેદવારને બુથ પાસેથી હટી જવાનું કહેતા બબાલ થઈ હતી, બાદમાં અન્ય અધિકારીએ મામલો થાળે પાડ્‌યો હતો.

મહત્વનું છે કે આજે યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં મતદાન નથી યોજાયું. આનું મુખ્ય કારણ એ છે કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી, જે તે સમયે આ સ્થળોની ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી.

રદ કરાયેલી આ ચૂંટણીઓ દિવાળી બાદ યોજાય તેવી શક્યતા છે. શહેરા તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયતમાં મતદાન ચાલી રહ્યું છે. મંગલપુર ગામના બુથ નંબર ૧ અને ૨માં મતદારોનો જમાવડો થયો હતો. મોટી સંખ્યામાં મહિલા અને યુવાન મતદારોની લાંબી લાઇન લાગી હતી. વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા લાઇનમાં લાગી ગયા છે. લોકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.