Western Times News

Gujarati News

પાવી જેતપુર નજીક ભારજ નદી પાસે ૪ કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું

ડાયવર્ઝન રૂપે નદી પર ૨.૩૧ કરોડના ખર્ચે રસ્તો બનાવી દીધો હતો તે પણ તૂટી જતાં બીજી વાર 4 કરોડ ખર્ચયા

(એજન્સી)છોટાઉદેપુર, ગુજરાત-મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર ૫૬ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ હાઈવે છોટા ઉદેપુરના પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પર એક બ્રિજ મારફતે પસાર થાય છે.

આજથી ત્રણ વર્ષ આ બ્રિજ બે ટુકડામાં વહેંચાઈ ગયો હતો અને રાહદારીઓએ ૪૦ કિમીનું ચક્કર લગાવી ભારજ નદી પાસ કરવાની ફરજ પડી હતી, આ સિવાયનો બીજો કોઈ વૈકલ્પિક રૂટ નથી.

આ બનાવ બાદ તંત્રએ એક વર્ષની ભારે મહેનત બાદ ડાયવર્ઝન રૂપે નદી પર ૨.૩૧ કરોડના ખર્ચે રસ્તો બનાવી દીધો હતો, પરંતુ માત્ર એક વર્ષમાં જ ચોમાસા દરમિયાન તે પણ ધોવાઈ ગયો અને પરિસ્થિતિ જૈસે થેની ફરીથી આવી પડી હતી.

અધધ ૨.૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલો રસ્તો એક વર્ષ પણ ન ટકી શક્્યો અને તંત્રના ભોગે સ્થાનિકોએ ફરી એકવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હવે આમા પણ વધુ મજેદાર વાત એ છે કે, તંત્રએ ફરી એકવાર ૪ કરોડના ખર્ચે વધુ એક ડાઈવર્ઝન રોડ બનાવ્યો અને તેને ખુલ્લો મુક્યો જ હતો. જે ૧૨ મહિના પણ સરખો ટકી શક્્યો નથી.

આ વર્ષે ચોમાસાની શરુઆતમાં જ ઘણી બધી જગ્યાએ મોટા મોટા ભૂવા-ગાબડા અને મસમોટી તીરાડો દેખાઈ રહી છે. જેને કારણે વહીવટી તંત્રએ આ માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂક્્યો છે અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

બે વર્ષ પહેલાં ભારજ નદી પરનો બ્રિજ તૂટી જતાં ૨.૩૧ કરોડના ખર્ચે પ્રથમ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જોકે, પહેલા જ ચોમાસામાં તે તૂટી ગયું. જે બાદ ૧૨ મહિનાની ભારે મહેનતે ૪ કરોડના ખર્ચે બીજું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું.

જેમાં પણ હાલ તિરાડો અને ગાબડાં દેખાવા લાગતા રાહદારીઓ માટે બંધ કરાયો છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં બે ડાયવર્ઝનના નિષ્ફળતાને કારણે કુલ ૬.૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. જેના કારણે રાહદારીઓને પણ હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને ગઈકાલે છોટાઉદેપુરના કલેક્ટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.