ટ્રાન્સપોર્ટના ધંધામાં મબલખ કમાણીની લાલચ આપી ૭૮.૯૬ લાખની ઠગાઇ

આરોપીએ તમામ લોનની પણ ચૂકવણી કરવાનો વાયદો કર્યાે હતો
આરોપીએ ભોગ બનનારની સાથે નોકરી કરતા લોકો પાસેથી પણ નાણાં લઇને કુલ રૂ. ૭૮.૯૬ લાખની ઠગાઇ આચરી હતી
અમદાવાદ,ભારતની એક જાણીતી કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિ સાથે પૂર્વ પાડોશીએ જ છેતરપિંડી આચરી છે. આરોપીએ ટ્રાન્સપોર્ટના ધંધામાં આર્થિક મદદ માગીને મહિને એક લાખ કમાવી આપવાની અને તમામ લોન ભરપાઇ કરવાની લાલચ આપીને મોટી રકમ મેળવી હતી. આરોપીએ ભોગ બનનારની સાથે નોકરી કરતા લોકો પાસેથી પણ નાણાં લઇને કુલ રૂ. ૭૮.૯૬ લાખની ઠગાઇ આચરી હતી. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
થલતેજમાં રહેતા ચંદ્રેશભાઇ ગજ્જર જાણીતી કંપનીના કોર્પાેરેટ હાઉસમાં જનરલ મેનેજર છે. અગાઉ તેમની સોસાયટીમાં રહેતા વિનોદ વાળંદે પોતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હોવાનું કહીને ચંદ્રેશભાઇ પાસે ઉછીના નાણાં લીધા હતા. બાદ ત્રણેક વર્ષ પહેલાં જ્યારે ચંદ્રેશભાઇની પુત્રીને વિદેશ જવાનું હોવાથી તેમણે લોન લઇને બેંક એકાઉન્ટમાં ૮૪ લાખ બેલેન્સ બતાવ્યુ હતું. આ બાબતે વિનોદ વાળંદને જાણ થતાં તેણે પાંચ લાખ ઉછીના માગ્યા હતા. ત્યારબાદ એક દિવસ બંને મો‹નગ વોક કરવા નીકળ્યા ત્યારે વિનોદ વાળંદે રસ્તામાં આવતા બે બંગલો લેવાની મોટી વાતો કરીને ચંદ્રેશભાઇને લાલચો આપી હતી.
આરોપીએ ચંદ્રેશભાઇને ધંધામાં પાર્ટનર બનાવીને એક લાખ કમાવી આપવાની અને સાથે સાથે તમામ લોનની પણ તે ભરપાઇ કરશે તેવી લાલચ આપી હતી. લાલચમાં આવીને ચંદ્રેશભાઇએ ૧.૦૧ કરોડ આપ્યા હતા અને વિનોદ વાળંદે ૪૩.૯૩ લાખ ચૂકવી આપીને ૫૭.૯૬ લાખ આપ્યા નહોતા. ચંદ્રેશભાઇ સાથે નોકરી કરતા લોકો પાસેથી પણ વિનોદ વાળંદે લોન લેવડાવીને નાણાં લીધા હતા. તેવામાં બે વર્ષ પહેલા વિનોદ વાળંદ મકાન ખાલી કરીને ગોતા રહેવા જતો રહ્યો હતો અને હપ્તા કે વ્યાજ ભરવાનું બંધ કરી દીધું હતું.
જેથી ચંદ્રેશભાઇએ ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. ચંદ્રેશભાઇએ ગોતા ખાતે તપાસ કરતા બે માસ પહેલા જ મકાન વેચીને નાસી ગયો હોવાનું ખૂલ્યું હતું. તેથી આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ વિનોદ વાળંદ (ઉ. ૪૫, રહે. જગતપુર) સામે કુલ ૭૮.૯૬ લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.