ડેવલપર્સની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગઃ 8 ઝડપાયા: 943 કરોડના વ્યવહારો

આરોપીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નફાની લાલચ આપતા અને બ્લેક મનીનું સેટિંગ પણ કરી આપતા હોવાનું સામે આવ્યું -ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ-ટ્રેડિંગનો પર્દાફાશ:
(એજન્સી)સુરત ગુજરાતના સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ પર્દાફાશ કર્યો છે. ગેમિંગ-ટ્રેડિંગ રેકેટમાં લગભગ ૯૪૩ કરોડના આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે એસઓજીએ ૮ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના મોટા વરાછાના લજામણી ચોક ખાતે સનરાઈઝ ડેવલપર્સ નામની ઓફિસમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની એસઓજીને માહિતી મળી હતી. જેને લઈને એસઓજીની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્ય હતું કે, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં સેબીની પરવાનગી વગર કેસટિલો ૯ અને સ્ટોક ગ્રો જેવાં સોફ્ટવેર દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને વિવિધ પ્રતિબંધિત વેબસાઈટ્સ દ્વારા ઓનલાઈન ગેમિંગનો ધંધો ચાલતો હતો.
સમગ્ર મામલે એસઓજીને જાણવા મળ્યું હતું કે, કન્સ્ટ્રક્શનની ઓફિસ સનરાઈઝ ડેવલપર્સમાં ગેરકાયદે રીતે વિવિધ વેબસાઈટ્સ અને સોફ્ટવેર થકી લાઈવ ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ સહિતની અલગ-અલગ ગેમથી સટ્ટો ચલાવવામાં આવતો હતો.
આ માધ્યમ પર આરોપીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નફાની લાલચ આપતા અને બ્લેક મનીનું સેટિંગ પણ કરી આપતા હોવાનું સામે આવ્યું છે. આમ ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ દ્વારા ૯૪૩ કરોડના વ્યવહારો થયા છે. જ્યારે ૨૫૦થી વધુ લોકોએ અત્યારસુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.૪.૬૨ કરોડનાં અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ મુખ્ય આરોપી નંદલાલ પર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની ફરિયાદ થયેલી છે.
એસઓજી મુખ્ય સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરિયા, તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા, ભાવેશ જીણાભાઈ કિહલા, જયદીપ કાનજીભાઈ પીપળિયા, નવનીત ચતુરભાઈ ગેવરિયા, ભાવિન અરવિંદભાઈ હીરપરા, બકુલ મગનભાઈ તરસરિયા અને સાહીલ મુકેશભાઈ સુવાગિયાની ધરપકડ કરીને ૧૯ મોબાઈલ ફોન, ૪ લેપટોપ, ૧૦ લાખ રોકડ, ૩૧ પાસબુક, ૮૭ ચેકબુક, ૧૩ સિમકાર્ડ સહિત કુલ રૂ.૧૭.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.