ધો.૫માં ભણતાં બાળકે બિગ બી સાથે તોછડું વર્તન કર્યું

મુંબઈ, ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૭મી સિઝનમાં એક નાના બાળકે તોછડું વર્તન કરીને અમિતાભ બચ્ચન સહિત તમામ દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
આ બાળક ૫માં ધોરણમાં ભણતો ઇશિત ભટ્ટ છે. ઇશિત તેની હોંશિયારીને નહીં, પણ તેના વધુ પડતા આત્મવિશ્વાસ અને બેદરકારીભર્યા વર્તનને કારણે ચર્ચામાં છે. ઇશિત તેનાથી ઉંમરમાં અને અનુભવમાં મોટા અમિતાભ બચ્ચન સાથે ખરાબ વર્તન કરતાં દર્શકો સોશિયલ મીડિયા પર માત્ર ઇશિત જ નહીં, તેના માતા-પિતાને પણ નિશાન બનાવી રહ્યા છે.
ઇશિત શોમાં પહોંચ્યો અને હોટ સીટ પર બેઠો. ત્યાં પહોંચતા જ તેણે સદીના મહાનાયક કહેવાતા બચ્ચન સાહેબ સાથે એવી રીતે વાત કરી કે જે દર્શકોને બિલકુલ પસંદ ના પડી. ક્યારેક તે બચ્ચન સાહેબને વચ્ચે અટકાવતો, તો ક્યારેક વિકલ્પ સાંભળ્યા વગર જ જવાબ આપી દેતો. એટલું જ નહીં, કેટલીક વાર તો તેણે અમિતાભ બચ્ચને ‘વાત છોડો, આગળનો સવાલ પૂછો’ જેવી સલાહ પણ આપી દીધી હતી.
આ પ્રકારનું વર્તન જોઈને અનેક લોકો તેના અશોભનીય વર્તનથી ગુસ્સે ભરાયા હતા. અમિતાભ બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ અનેક લોકોએ ઇશિતની ટીકા કરી રહ્યા છે. અનેક લોકોએ ઇશિતના માતા-પિતાના ઉછેર પર સવાલો ઉઠાવ્યો છે. કેટલાક લોકોએ અમિતાભ બચ્ચનની સહનશીલતાની પણ પ્રશંસા કરી હતી.
એક યુઝરે લખ્યું ‘તેના માતા-પિતા તેનું આ વર્તન ગર્વથી જોઈ રહ્યા હતા. આવા માતા-પિતાને શરમ આવવી જોઈએ.’ આ દરમિયાન એક યુઝરે લખ્યું હતું કે, ‘અમિતાભ બચ્ચનજી એ કેવી સહનશીલતા બતાવી છે. ખરાબ ઉછેરનું પરિણામ આવું જ હોય ને…’જો કે, બાળકના આવા વર્તનથી તેના માતા-પિતા પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા જ હતા.
કેટલાક લોકોનું કહેવું છે કે, આ રીતે બાળકની ઓળખ જાહેર કરીને તેને ટ્રોલ ના કરી શકાય કારણ કે, આ તેની ભૂલ છે, જે તેને પ્રેમથી સમજાવી શકાય છે. આ પ્રકારનું ટ્રોલિંગ તેના મગજ પર ગંભીર અસર કરી શકે છે. એટલું જ નહીં, બાળકની આ ભૂલ માટે માતા-પિતાને જવાબદાર ના ઠેરવી શકાય. આ બાળક હજુ નાનો છે, જેને તેની ભૂલ સમજાઈ શકે છે.SS1MS