Western Times News

Gujarati News

શાહરુખ ખાન વિરુદ્ધ ધર્મગુરુઓ મેદાનમાં, ‘દેશદ્રોહી’ ગણાવીને કર્યો વિરોધ

નવી દિલ્હી, આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં બાંગ્લાદેશી ખેલાડીને સામેલ કરવાને લઈને ટીમના માલિક અને બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ વિરોધ સતત વધી રહ્યો છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમના આક્રોશ બાદ હવે દેશના અગ્રણી ધર્મગુરુઓ અને કથાવાચકોએ પણ આ મુદ્દે મોરચો ખોલી દીધો છે.નાગપુરમાં આધ્યાત્મિક ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યે આઈપીએલ ૨૦૨૬ માટે બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કરવા બદલ શાહરુખ ખાનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, “આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શાહરુખનું વલણ હંમેશાથી એક ‘દેશદ્રોહી’ જેવું રહ્યું છે.”

તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની નિંદા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકારે આવી ઘટનાઓને સહન ન કરવી જોઈએ.

બીજી તરફ, મુંબઈમાં શ્રીમદ્‌ ભાગવત કથા કરી રહેલા પ્રખ્યાત કથાવાચક દેવકીનંદન ઠાકુરે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે પાડોશી દેશમાં લઘુમતી હિન્દુઓ સાથે હિંસક વર્તન થઈ રહ્યું છે, ત્યારે બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાં સામેલ કરવો ખોટો સંદેશ આપે છે. તેમણે શાહરુખને સંબોધીને કહ્યું, “એ ભૂલશો નહીં કે આ જ ભારતીયોએ તમને હીરો બનાવ્યા છે. જે હીરો બનાવી શકે છે, તે ઝીરો પણ બનાવી શકે છે.”અલીગઢના શાહી ચીફ મુફ્તી મૌલાના ચૌધરી ઈફરાહીમ હુસૈને કહ્યું કે કેકેઆરની ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીને સામેલ કરવાના નિર્ણયથી માનવતા શર્મસાર થઈ છે.

તેમણે કહ્યું કે કોઈપણ વ્યાવસાયિક કે રમતગમતનો સોદો નૈતિક કસોટી પર ખરો ઉતરવો જોઈએ. આ પહેલા બુધવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમે શાહરુખ ખાનને ‘ગદ્દાર’ કહ્યા હતા.મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને પણ આ મામલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની વાત કરી છે.

તેમણે કહ્યું, “મારો શાહરુખ ખાનને આગ્રહ છે કે જો આપણા દેશના લોકો બાંગ્લાદેશમાં અન્યાયનો સામનો કરી રહ્યા હોય, તો આપણે તેમના ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ જેથી એક કડક સંદેશ જાય.”

આ સમગ્ર વિવાદનું કેન્દ્ર બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન છે, જેને કેકેઆરએ ¹ ૯ કરોડમાં ખરીદ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જ્યારે બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હોય, તેવા સંવેદનશીલ સમયે આ પ્રકારનો સોદો નૈતિક રીતે ખોટો સંદેશ આપે છે અને દેશહિતની ભાવનાની વિરુદ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.