Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશમાં રાજકીય હિંસાઃ પૂર્વ મંત્રીના ઘર પર પથ્થરમારો અને આગચંપી

બેંગલુરુ, આંધ્રપ્રદેશમાં હાલ રાજકીય હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષ્ણા જિલ્લાના ઇબ્રાહિમપટનમમાં વાયએસઆરસીપી નેતા અને પૂર્વ પ્રધાન જોગી રમેશના નિવાસસ્થાન પર પથ્થરમારો અને આગચંપીની ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર, તેલુગુ દેશમ પાર્ટીના પ્રધાન એન. લોકેશ વિરુદ્ધ જોગી રમેશે કરેલી કથિત ટિપ્પણીથી રોષે ભરાયેલા ટીડીપી કાર્યકર્તાઓએ તેમના ઘરને ઘેરી લીધું હતું અને હિંસા આચરી હતી.

ઘટના સમયે જોગી રમેશના પત્ની અને પિતા ઘરમાં હાજર હતા, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરીને તમામનો સુરક્ષિત બચાવ કર્યાે હતો.આ હિંસાનો સિલસિલો માત્ર અહીં જ અટક્યો નથી; અગાઉ તિરુપતિ લાડુ વિવાદ પર નિવેદન આપનારા વાયએસઆરસીપીના અન્ય એક વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન અંબાતી રામબાબુના ઘર પર પણ તોડફોડ કરવામાં આવી હતી.

ટીડીપી કાર્યકર્તાઓએ રામબાબુના નિવેદનને મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ માટે અપમાનજનક ગણાવ્યું હતું, જે બાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટનાઓને પગલે રાજ્યની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ સામસામે આવી ગઈ છે અને સમગ્ર આંધ્રપ્રદેશમાં અશાંતિનો માહોલ પેદા થયો છે.વાયએસઆરસીપીએ આ હુમલાઓની સખત નિંદા કરતા તેને ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ભુમના કરુણાકર રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે ભીડે જોગી રમેશની હત્યા કરવાના ઈરાદાથી હુમલો કર્યાે હતો.

બીજી તરફ, રાષ્ટ્રીય પ્રવક્તા કાર્તિક યેલાપ્રગડાએ દાવો કર્યાે છે કે અંબાતી રામબાબુ પરનો હુમલો એ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ ટીડીપીના નિર્દેશો પર કરવામાં આવેલું કાવતરું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.