કેબ ડ્રાઈવરોએ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આપવો નહિં પડેઃ ‘ભારત ટેક્સી’નો પ્રારંભ
દેશની પ્રથમ સહકારી કેબ સેવા ‘ભારત ટેક્સી’નો પ્રારંભ-દુનિયાનું સૌથી પહેલું અને સૌથી મોટું કોઓપરેટિવ બેઝ્ડ રાઈડ હેલીંગ પ્લેટફોર્મ: શ્રી જીતુભાઈ વાઘાણી
સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે પરિવહન ક્ષેત્રે ડ્રાઈવરો અને મુસાફરોના હિતમાં નવી પહેલ
Ahmedabad, રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ દેશની પ્રથમ સહકારી કેબ સેવા ‘ભારત ટેક્સી‘ના લોન્ચિંગને ઐતિહાસિક ગણાવતા હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના ‘સહકાર થી સમૃદ્ધિ‘ના વિઝનને સાકાર કરવામાં આ સેવા એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
મંત્રીશ્રી વાઘાણીએ જણાવ્યું કે, અત્યાર સુધી કેબ સેવામાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ હતું, પરંતુ ‘ભારત ટેક્સી‘ એ સહકારી ધોરણે કાર્ય કરતી દેશની પ્રથમ પહેલ છે. આ મોડેલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઈવરોનું શોષણ અટકશે. ખાનગી એપ્લિકેશન્સમાં ડ્રાઈવરોએ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આપવો પડતો હોય છે, જ્યારે અહીં સહકારી માળખાને કારણે ડ્રાઈવરોના હિતોનું રક્ષણ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું કે, આ દુનિયાનું સૌથી પહેલું અને સૌથી મોટું કોઓપરેટિવ બેઝ્ડ રાઈડ હેલીંગ પ્લેટફોર્મ છે. આ સેવા માત્ર ડ્રાઈવરો માટે જ નહીં પણ સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સહકારી મોડેલ હોવાથી ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ કે અતિશય ભાડું વસૂલવામાં આવશે નહીં. એટલું જ નહીં, ટેકનોલોજીના માધ્યમથી મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
ગુજરાત હંમેશા સહકારી પ્રવૃત્તિઓમાં દેશનું અગ્રેસર રાજ્ય રહ્યું છે. અમૂલ અને ઇફ્કો જેવા સફળ સહકારી મોડેલ બાદ હવે પરિવહન ક્ષેત્રે ‘ભારત ટેક્સી‘ દ્વારા સહકારી ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે.
મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી કેબ સેવાનો પ્રારંભ થવો એ આપણા માટે ગૌરવની વાત છે. આનાથી મધ્યમ વર્ગના મુસાફરો અને મહેનતકશ ડ્રાઈવર ભાઈઓ – બંનેને ફાયદો થશે. સહકારી ક્ષેત્રે આ એક ક્રાંતિકારી કદમ છે. મંત્રીશ્રીએ ‘ભારત ટેક્સી‘ના સંચાલકો અને આ પહેલ સાથે જોડાયેલા તમામ સભ્યોને આધુનિક પરિવહન વ્યવસ્થામાં સહકારી ભાવના ઉમેરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
