નાઈજીરિયામાં ISના આતંકીઓનો બે ગામો પર હુમલો, ૧૬૨ લોકોનાં મોત
ક્વારા રાજ્યના ‘વોરો’ અને ‘નુકુ’ ગામોને નિશાન બનાવવામાં આવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નાઈજીરિયાને ત્યાંના ખ્રિસ્તી નાગરિકોની રક્ષા કરવામાં નિષ્ફળ રહેવા બદલ કડક ચેતવણી આપી હતી
સોકોટો (નાઈજીરિયા),પશ્ચિમ નાઈજીરિયામાં ઈસ્લામિક આતંકવાદીઓએ બે ગામો પર કરેલા ભયાનક હુમલામાં ઓછામાં ઓછા ૧૬૨ લોકોના મોત થયા છે. આ હુમલો છેલ્લાં કેટલાંક મહિનાઓમાં થયેલા સૌથી લોહિયાળ હુમલાઓ પૈકીનો એક હોવાનું એક સાંસદે જણાવ્યું હતું.સ્થાનિક સાંસદ મોહમ્મદ ઓમર બાયોના જણાવ્યા અનુસાર, ક્વારા રાજ્યના ‘વોરો’ અને ‘નુકુ’ ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યાે હતો કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથ ‘લાકુરાવા’ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
હુમલાં બાદ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલાં રેડ ક્રોસના અધિકારીઓએ જણાવ્યું કે આ ગામો રાજ્યની રાજધાનીથી આશરે ૮ કલાક દૂર અને બેનિન દેશની સરહદ પાસેના અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આવેલા હોવાથી ત્યાં પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક ટેલિવિઝન પરના દૃશ્યોમાં લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહો અને સળગતા ઘરો જોવા મળ્યા હતા, કેટલાંક મૃતકોના હાથ પણ બાંધેલા હતાં. રાજ્યના ગવર્નર અબ્દુલરહેમાન અબ્દુલરઝાકે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા કહ્યું કે, સેના દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને કારણે આતંકીઓ હતાશામાં આવા હુમલા કરી રહ્યા છે.
અગાઉ મંગળવારે અન્ય એક ઘટનામાં ઉત્તર-પશ્ચિમ રાજ્ય કેટસિનામાં અજ્ઞાત બંદૂકધારીઓએ ૧૩ લોકોની હત્યા કરી હતી. ગયા અઠવાડિયે પણ આતંકી જૂથ બોકો હરામ દ્વારા ૩૬ લોકોના મોત નિપજાવવામાં આવ્યા હતાં. અમેરિકાએ નાઈજીરિયાના આ સુરક્ષા સંકટને પહોંચી વળવા માટે સૈન્ય અધિકારીઓની એક નાની ટીમ મોકલી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નાઈજીરિયાને ત્યાંના ખ્રિસ્તી નાગરિકોની રક્ષા કરવામાં નિષ્ફળ રહેવા બદલ કડક ચેતવણી આપી હતી.ss1
