Western Times News

Gujarati News

અમેરિકામાં મંદીના ભણકારાં, રોજગાર વૃદ્ધિ ૧૩ વર્ષના તળીયે

વોશિગ્ટન, કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા, અત્યારે અમેરિકાના કિસ્સામાં તે એકદમ સાચી પડી રહી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના હાથે થયેલા કર્માે હવે અમેરિકન પ્રજાને ફક્ત હૈયે જ નહીં લમણે પણ વાગી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે અપનાવેલી આર્થિક નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્રમાં તેમના શાસનના એક વર્ષની અંદર જ મંદીના ભણકારા વાગવા લાગ્યા છે.

રોજગાર વૃદ્ધિ દર ૨૦૨૦ના કોવિડના સમયગાળાને બાદ કરતાં ૧૩ વર્ષના તળિયે ૩.૩ ટકાએ પહોંચી ગયો છે. તેની સામે બેરોજગારી દર ૪.૪ ટકાના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ૨૦૨૫ના આખા વર્ષમાં માંડ ૫.૮૪ લાખ જોબ જ પૂરી પાડી હતી, જે દાયકામાં સરેરાશ વાર્ષિક જોબ વૃદ્ધિદર લગભગ ૨૦ લાખના જોબ્સથી ઘણો નીચો આંકડો કહી શકાય. હજી બે વર્ષ પહેલા સુધી દર વર્ષે લગભગ ૨૦ લાખ લોકોનું હાયરિંગ કરવામાં આવતું હતું.

તેમાં પણ ૨૦૨૨ માં તો ૪૦ લાખથી પણ વધુ લોકોને હાયર કરવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે ટ્રમ્પનું અમેરિકા હવે રોજગાર સર્જનમાં નહીં બેરોજગાર સર્જનમાં પણ ફર્સ્ટ રહેવાનું છે.આ બતાવે છે કે ગયા વર્ષે જોબ ગ્રોથ તેની ઐતિહાસિક સરેરાશના માંડ ૩૦ ટકા જ હતો. આ આંકડા લેબર માર્કેટમાં હાયરિંગના મોરચે મોટાપાયા પર ઘટાડાનો સંકેત આપે છે.

હાલના સંજોગોમાં ૭૫ લાખથી પણ વધુ અમેરિકનો બેકાર હોવાનું મનાય છે. અમેરિકન અર્થતંત્ર હજી સુધી સત્તાવાર રીતે મંદીમાં પ્રવેશ્યું નથી, પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં તેના ભણકારા ચોક્કસ વાગવા લાગ્યા છે.

આ બતાવે છે કે ટ્રમ્પના બેફામ વલણે અને તેની આર્થિક નીતિઓએ અમેરિકાનો કેવો સોથ વાળ્યો છે. આજે અમેરિકાની ૭૦ ટકા વસ્તી મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગઈ છે.આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ આજે અમેરિકામાં લો હાયરિંગ અને લો ફાયરિંગ જેવી સ્થિતિ છે.મોટાભાગના અર્થશાસ્ત્રીઓની માન્યતા છે કે અમેરિકા ૨૦૨૬માં મંદીમાં સરી જાય તેવી સંભાવના ૩૫થી ૪૫ ટકા છે.

ટ્રમ્પની નીતિઓના કારણે કામદારોથી લઈને ઉદ્યોગપતિઓનો વર્ગ એટલી હદ સુધી ડરી ગયો છે કે તે અનિશ્ચિતતાના વાતાવરણમાં જ જીવે છે. ટ્રમ્પ કાલે શું કરે તેની કોઈને ખબર નથી. તેથી અમેરિકન કંપનીઓ પોતે જ ટ્રમ્પના શાસનમાં અમેરિકામાં નવું રોકાણ જ કરતી નથી. આ ઉપરાંત જે પણ રોકાણ થાય છે તે એઆઈમાં થાય છે, જ્યાં તેઓને હાયરિંગની ખાસ જરૂર પડતી નથી.

ટ્રમ્પને ટેરિફ કદાચ બોર્ડ ગેમ જેવી લાગતી હશે, પરંતુ તેના કારણે સરેરાશ અમેરિકન કુટુંબનું બજેટ ૧૮૦૦થી લઈને બે હજાર ડોલર જેટલું વધી ગયું છે. ટ્રમ્પે જે રીતે દરેક સ્થળે ફોર્સ કરી રહ્યા છે તે જોતાં ઘણા મજાકમાં કહે છે કે અમેરિકામાં હવે ફોર્સ જ વર્ક કરી રહી છે, વર્કફોર્સ તો જાણે છે જ નહીં. ટ્રમ્પ વર્તમાન સ્થિતિ માટે પાછા પોતાને તો જવાબદાર જરાય ઠેરવતા જ નથી, તેઓ દોષનો બધો જ ટોપલો તેમના પુરોગામી બાઇડેનના શાસન પર ઢોળી રહ્યા છે.

બેરોજગારીના આંકડા ધીમે-ધીમે બહાર આવી રહ્યા છે તે જોતાં કેટલાય નિષ્ણાતો માને છે કે હાલમાં દર્શાવવામાં આવતા આંકડા કરતાં પણ સ્થિતિ વધારે ખરાબ હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ. ટ્રમ્પના કારણે તો લોકોને હવે સરકારી વિભાગ દ્વારા પાડવામાં આવતા આંકડાનો પણ ભરોસો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.