કાળજીપૂર્વક જવાબદારી ન નિભાવાય તો કોર્ટની પ્રક્રિયા સજા બની જાય: સુપ્રીમ
નવી દિલ્હી, મધ્યપ્રદેશ વ્યાપમ પરીક્ષા કૌભાંડના વ્હિસલબ્લોઅર સામે જાતિ આધારિત હિંસાના આરોપોને રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતે કાયદાના શાસન પ્રત્યે નિષ્ઠા રાખી યાદ રાખવું જોઇએ કે જો જવાબદારી કાળજીપૂર્વક ન નિભાવવામાં આવે તો કોર્ટની પ્રક્રિયા પોતે જ સજા બની શકે છે.
અદાલતોએ શંકાના આધારિત કેસો અને સાચા કેસો વચ્ચે ભેદ પારખવો જોઇએ. જાતિ આધારિત અત્યાચારના કેસમાં આરોપો ઘડવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી વ્હિસલબ્લોઅર આનંદ રાયની અરજીની સુનાવણી કરતાં સર્વાેચ્ચ અદાલતે આ અવલોકન કર્યાં હતાં.
૨૦૨૨માં એક રેલી દરમિયાન એક સાંસદ, ધારાસભ્ય અને સરકારી અધિકારીઓ સામે કથિત હિંસા અને દુર્વ્યવહારને આધારે આ કેસ દાખલ કરાયો હતો. રાય સામેના એસસી-એસટી એક્ટ હેઠળના આરોપોને રદ કરતા ન્યાયાધીશ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્ટે સભાનપણે એવા વાસ્તવિક કેસ તથા શંકા કે ધારણા અથવા કોઈ આધાર વગરના કેસ વચ્ચે ભેદ પારખો જોઇએ. પ્રથમ દૃષ્ટિએ કેસ ન હોવા છતાં કોઈ મામલાને આગળ વધવા દેવો એ વ્યક્તિને ફોજદારી કાર્યવાહીના તાણ, કલંક અને અનિશ્ચિતતામાં મુકવા જેવું છે.
અદાલતે કાયદાના શાસન પ્રત્યે નિષ્ઠા રાખી યાદ રાખવું જોઇએ કે આ જવાબદારી કાળજીપૂર્વક નિભાવવામાં ન આવે તો કોર્ટની પ્રક્રિયા પોતે જ સજા બની શકે છે. સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી સામગ્રીમાં ગુનાના કોઇ પુરાવા ન હોય ત્યારે કાયદો અપેક્ષા રાખે છે કે કોર્ટ આવા કેસને રદ કરવાની હિંમત દર્શાવે.
આ જવાબદારી ટ્રાયલ કોર્ટ માટે સૌથી વધુ મહત્ત્વની છે, કારણ કે મોટાભાગના લોકો પ્રથમ વાર ટ્રાયલ કોર્ટમાં પ્રવેશતા હોય છે. આ કેસની સુનાવણી કરતી વખતે ખંડપીઠે કહ્યું હતું કે એસસી-એસટી કાયદાની જોગવાઈઓ હેઠળ આરોપ દાખલ કરવા માટે ઘણી બાબતોની જરૂર પડે છે. એસસી-એસટી કાયદા હેઠળ આરોપીને ખબર હોવી જોઈએ કે પીડિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો છે.SS1MS
