પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીની કરપીણ હત્યા: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો
મૃતક કિશોરી સાથે આરોપીની સગાઈ કરવામાં આવી હતી. જોકે આરોપીનો સ્વભાવ શંકાશીલ અને ઉગ્ર હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો-કિશોરીના પિતાએ આરોપીના પિતાને સગાઈ નહીં રાખવા માટેની જાણ કરી હતી
(એજન્સી)અમદાવાદ, શહેરના મણિનગર વિસ્તારમાં કિશોરીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક કિશોરીની આરોપી સાથે સગાઈ કરવામાં આવી હતી. જોકે શંકાશીલ સ્વભાવના કારણે કિશોરીના પિતાએ સગાઈ તોડવા માટે કહ્યું હતું. જેના સમાધાન માટે કિશોરીને લઈ જઈને હત્યા નીપજાવવામાં આવી છે. પોલીસને જાણ થતા જ મણિનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ૨૪ કલાકમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે. સરખેજ, મણિનગર અને વટવામાં હત્યાના ત્રણ બનાવ બન્યા છે.
બુધવારે મોડી રાત્રે કાંકરિયા ગેટ નંબર ૭ પાસે યુવકે કિશોરીને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજાવ્યું છે. ઘટનાની જાણ થતા જ મણિનગર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીની ધરપકડ કરી છે.
આરોપી મોહમ્મદ ઉવૈસ પઠાણની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક કિશોરી સાથે આરોપીની સગાઈ કરવામાં આવી હતી. જોકે આરોપીનો સ્વભાવ શંકાશીલ અને ઉગ્ર હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો.
જે બાબતને લઈને કિશોરીના પિતાએ આરોપીના પિતાને સગાઈ નહીં રાખવા માટેની જાણ કરી હતી. આ અંગે વાતચીત કરવા માટે આરોપી કિશોરીને તેના ઘરેથી લઈ જઈને કાંકરિયા ગેટ નંબર ૭ પાસેના ર્પાકિંગમાં લઈને આવ્યો હતો.
જ્યાં વાતચીત દરમિયાન આરોપી ઉગ્ર થઈ ગયો હતો. કિશોરીને માથાના ભાગે પથ્થરના ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેમાં કિશોરીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
