બોડકદેવના શિવાલિક હાઈ સ્ટ્રીટમાં રિયલ એસ્ટેટ ઓફિસમાં આગની ઘટના
૧૦૦ લોકોનું સુરક્ષિત ઇવેક્યુએશન – કોઈ જાનહાનિ નહીં
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં શિવાલિક હાઈ સ્ટ્રીટખાતે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૧૪ઃ૩૬ કલાકે આગની ઘટના નોંધાઈ હતી. આ આગ ચોથા ફ્લોર પર આવેલી ૪૦૬ નંબરની રિયલ એસ્ટેટ ઓફિસમાં લાગી હતી. ઓફિસના ફર્નિચરમાં આગ લાગતા સ્થળ પર ભારે ધુમાડો ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડો વધુ ફેલાઈ જતાં ફાયર ફાઇટરોએ ફોર્સ વેન્ટિલેશન કરી અંદર ભરાયેલો ધુમાડો બહાર કાઢ્યો હતો. અંદાજે એક કલાક સુધી ચાલેલી ફાયર ફાઇટિંગ કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન કુલ ૧૬ ફાયર વાહનો તૈનાત કરાયા હતા, જેમાં ૨૦દ્ભન્ના ૩ વોટર બાઉઝર, ૧ મિનિ ફાઇટર, ૨ ઇમર્જન્સી ટેન્ડર, ૬ ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો), ૩ ફર્સ્ટ રિસ્પોન્ડર (સ્કોર્પિયો) અને ૧ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. કુલ ૭૨ ફાયર સ્ટાફે કામગીરીમાં ભાગ લીધો હતો, જેમાં ૩૫ ફાયરમેન, ૩ જમાદાર, ૧૬ ડ્રાઈવર, ૧ સબ ઓફિસર, ૨ સ્ટેશન ઓફિસર, ૨ ડિવિઝનલ ઓફિસર, ૧ ડેપ્યુટી સી.એફ.ઓ., ૨ એડિશનલ સી.એફ.ઓ. અને ૧ સી.એફ.ઓ. સામેલ હતા.
ફાયર વિભાગ દ્વારા અંદાજિત ૧૦૦ લોકોને સુરક્ષિત રીતે ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા. સદભાગ્યે ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી તેમજ કોઈ જાનહાનિ નોંધાઈ નથી.મહત્વપૂર્ણ વાત એ રહી કે બિલ્ડિંગની ફાયર સિસ્ટમ કાર્યરત હાલતમાં હોવાથી આગને ઝડપી કાબૂમાં લેવા મદદ મળી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
