Western Times News

Gujarati News

પંચમહાલ પ્રવાસે BJP પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માઃ પાવાગઢે ધજા ચઢાવી

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બુધવારે પંચમહાલ જિલ્લાની મુલાકાત લઈ વિવિધ સંગઠનાત્મક તેમજ જાહેર કાર્યક્રમોમાં સક્રિય ભાગ લીધો હતો. તેમની આ મુલાકાત રાજકીય તેમજ સંગઠનાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

જિલ્લા પ્રવાસની શરૂઆત તેમણે વિશ્વવિખ્યાત શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવી કરી હતી. મંદિરમાં પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ તેમણે રાજ્ય અને દેશની સુખાકારી માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી.

પાવાગઢ દર્શન બાદ પ્રદેશ અધ્યક્ષ કાલોલ તાલુકાના મલાવ ગામે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં બુથ પ્રમુખોથી લઈને પેજ પ્રમુખો, તાલુકા-જિલ્લા સ્તરના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને સંબોધિત કરતાં સંગઠનના આધારસ્તંભ તરીકે તળિયાના સ્તરના કાર્યકરોની ભૂમિકા વિશેષ રીતે ઉજાગર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપનું બળ તેના મજબૂત સંગઠન અને સમર્પિત કાર્યકરોમાં છે.

તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ — જેમ કે ગરીબ કલ્યાણ યોજનાઓ, મહિલાઓના સશક્તિકરણ માટેની યોજનાઓ, ખેડૂતો અને યુવાનો માટેના કાર્યક્રમો — અંગે વિગતવાર માહિતી આપી હતી.

કાર્યકરોને આ યોજનાઓનો લાભ દરેક યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે માટે સક્રિય બનવા અનુરોધ કર્યો હતો. “બુથ જીતશો તો ચૂંટણી જીતશો”નો મંત્ર આપતાં તેમણે જણાવ્યું કે બુથ પ્રમુખો અને પેજ પ્રમુખો સંગઠનની સૌથી મહત્વપૂર્ણ કડી છે અને તેમની મહેનતથી જ ભાજપ સતત સફળતા હાંસલ કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.