Western Times News

Gujarati News

જામનગર જિલ્લા કલેકટરે અંતરિયાળ એકસો ગામડામાં સીધો જનસંપર્ક સાધ્યો

ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરી

જામનગર, જિલ્લા કલેકટર કેતન ઠક્કરે આશરે એક વર્ષના ટૂંકાગાળામાં વહીવટી વ્યવસ્થાની વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપી જિલ્લાના ૧૦૦ જેટલા અંતરિયાળ ગામડાની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. કલેકટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાના સીધા અમલીકરણનું એક સબળ માધ્યમ બની છે.

આ સમયગાળા દરમિયાન કલેકટરે ગ્રામ પંચાયતોની ઓચિંતી તપાસણી કરી રેકર્ડ અદ્યતન કરવા, વેરા વસૂલાત અને સરકારી જમીન પરના દબાણ હટાવવા જેવી વહીવટી કામગીરી હાથ ધરી હતી.

શિક્ષણ અને બાળકોના ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેઓએ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી જ્યાં બાળકોના શિક્ષણનું સ્તર, અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને ખાસ કરીને મધ્યાહન ભોજનની ગુણવત્તાની તપાસ કરી બાળકોને પોષણક્ષમ આહાર મળે તેવી તકેદારી રાખી હતી.

આરોગ્ય ક્ષેત્રે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ઓપીડી દવાનો જથ્થો અને ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરી ગ્રામીણ સ્તરે શ્રેષ્ઠ સારવાર મળે તેવું વાતાવરણ સર્જ્યું હતું.

આ પ્રવાસમાં રાત્રી સભાઓ ગ્રામીણ વિકાસ માટેનું અસરકારક માધ્યમ બની રહી હતી. ગામડાઓમાં રાત્રી રોકાણ અને સભાઓ યોજી તેઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો, વિકાસના કામની ચર્ચા કરી અને આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજના તથા કૃષિ યોજનાઓની જાણકારી પૂરી પાડી હતી.

ખેડૂતોના હિતમાં તેઓએ ખેતરોની મુલાકાત લઈ પાક, સિંચાઈ અને ખાતરની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી અન્યોને પણ ઝેરમુક્ત ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી.

દિવાળીની ઉજવણી શહેરના મનોદિવ્યાંગ બાળકો સાથે કરી હતી. ઉપરાંત માર્ગ પર ચાલતા જતા શાળાના બાળકો સાથે શિક્ષણ અને મધ્યાહન ભોજનની સમીક્ષા કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.