હિંમતનગરમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ કર્મયોગી બહેનોનું સન્માન કરાયું
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા આરોગ્ય કચેરીમાં તાજેતરમાં જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાની આશા અને આશા ફેસિલિટેટર બહેનો માટે ‘આશા સંમેલન’નું આયોજન કરાયું હતુ.
કાર્યક્રમનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓમાં પાયાની કડી સમાન આશા બહેનોની કામગીરીની સમીક્ષા કરવાનો અને તેમને વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજેશ પટેલ અને ડીઆઈઈસીઓ જયેશભાઈ પંડયા દ્વારા આશા બહેનોને માતા-બાળ આરોગ્ય, રસીકરણ, ટીબી નાબૂદી અભિયાન, અંગદાન અને રક્તદાન જેવા વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આયુષ મેડિકલ ઓફિસર દ્વારા આયુષ સેવાઓ અને સમુદાય સ્તરે આરોગ્ય જાગૃતિ કઈ રીતે વધારવી તે અંગે સમજૂતી અપાઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજ સુતરીયાએ જણાવ્યું હતુ કે આશા બહેનોને ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને જરૂરિયાત સમયે દર્દીઓને યોગ્ય હોસ્પિટલ સુધી રિફર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હેઠળ પ્રશંસનીય કામગીરી કરનાર શ્રેષ્ઠ આશા કાર્યકર અને ફેસિલિટેટર બહેનોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની નિષ્ઠા, સેવા અને સમર્પણની ભાવનાને બિરદાવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની સફળતામાં આશા બહેનોનો ફાળો અત્યંત મહત્વનો છે. આ સંમેલનમાં આરોગ્ય કર્મીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યી હતી.
