AMC દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે
AI Image
કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વે શહેરની મોબિલિટીને મજબૂત બનાવવાની AMCની પહેલ
અમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા રિવરફ્રન્ટ હાઉસનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સ્તરે અમદાવાદની ઓળખ મજબૂત બનાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. આ પરિપ્રેક્ષ્યમાં એએમસી દ્વારા ‘AmdavadNXT’નું આયોજન કરવામાં આવ્યું છે, શહેર તેની દીર્ઘકાલીન વિકાસની જર્ની તરફ આગળ વધી રહ્યું છે.
ત્યારે એએમસી દ્વારા લોકોને કેન્દ્રસ્થાને રાખી અને ક્લાઇમેટ-રેસિલિએન્ટ મોબિલિટી સિસ્ટમમાં જાહેર પરિવહનને મુખ્ય ભાગ તરીકે મજબૂત બનાવવાનાં હેતુથી આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.
જેનો ઉદ્દેશ્ય અમદાવાદમાં ભવિષ્યમાં થનારી મોબિલિટી અંગે ઈન્ટરએક્ટિવ પ્રદર્શન દ્વારા જાહેર ચર્ચા અને વિવિધ હિતધારકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. એએમસીની આ અનોખી પહેલ દ્વારા SHIFT ટ્રાન્સપોર્ટ કોઅલિશન અને WRI Indiaની પાર્ટનરશીપ સાથે, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK તેમજ અન્ય હિતધારકોના સહયોગથી આયોજિત કરવામાં આવી છે.
‘AmdavadNXT’ના મહત્વ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS)એ જણાવ્યું હતું કે અમદાવાદ એક આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સતત વિકાસ પામી રહ્યું છે અને તેનું ભવિષ્ય વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. આવી પરિસ્થિતિમાં શહેરની મોબિલિટી વ્યવસ્થાઓનો વિકાસ પણ સમકાલીન રીતે થવો આવશ્યક છે.
તેમણે ઉમેર્યું હતું કે ‘AmdavadNXT’ની પહેલથી સંસ્થાઓ, નિષ્ણાતો અને નાગરિકોને એકત્રિત કરીને સેફ, ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવાનું આયોજન છે. આ એક સંયુક્ત દ્રષ્ટિકોણ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. એએમસીનો સંકલન, સુલભતા અને જાહેર સહભાગીતાને મજબૂત કરી જાહેર પરિવહનને અમદાવાદ શહેરમાં ભવિષ્યનો આધાર સ્તંભ બનાવવાનું લક્ષ્ય છે.
‘AmdavadNXT’નો દ્રષ્ટિકોણ અમદાવાદમાં જાહેર પરિવહન અને બિન-મોટરસંચાલિત પરિવહનની પસંદગી કરી અને પ્રેરણાદાયી મુસાફરીના માધ્યમ તરીકે સ્થાપિત કરવાનો છે. AMTSથી BRTS અને મેટ્રો સુધીની શહેરની મોબિલિટીનો વિકાસ, બેસ્ટ પ્રેક્ટિસિસ, ડેટા ઇનસાઇટ્સ અને ભવિષ્યના સંયુક્ત વિઝન સાથેનું પ્રદર્શન કરવામાં આવશે. તેમજ ગુજરાતના અન્ય શહેરોની શ્રેષ્ઠ મોબિલિટી અને અર્બન પ્રેક્ટિસીસ પણ રજૂ થશે.
જાહેર પરિવહન ક્ષેત્રનાં મુખ્ય પડકારો અને ઉદ્ભવતી તકો પર પોલિસીમેકર્સ,પ્લાનર્સ, ડિઝાઇનર્સ, એકેડેમિક્સ, ઓપરેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને નાગરિકો માટે પણ આ ચર્ચાનું મંચ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને સમુદાયોને લોક-કેન્દ્રિત મોબિલિટીનાં ભવિષ્ય અંગે શીખવા, જોડાવા અને કલ્પના કરવાની તક પણ ઉપલબ્ધ કરાશે.
