Western Times News

Gujarati News

ધોળકાના મોડલ ફાર્મની મુલાકાતમાં પ્રાકૃતિક ઘઉં અને વરિયાળીના પાકોનું નિરીક્ષણ કરાયું

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અમદાવાદ સંયુક્ત ખેતી નિયામક કચેરી દ્વારા ધોળકામાં ખેડૂતોને અપાયું પાયાનું માર્ગદર્શન

ધોળકામાં પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે ઓર્ગેનિક પાકોનું અવલોકન અને વિસ્તૃત ચર્ચા

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને મજબૂત બનાવવાના હેતુથી ઉચ્ચ કૃષિ અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અમદાવાદ વિભાગના માનનીય સંયુક્ત ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ડૉ. મીનાબહેન ત્રિવેદી અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ. આઇ. પટેલ સહિતના અધિકારીઓએ ફાર્મ પર થઈ રહેલી ખેતી પદ્ધતિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીશ્રીઓએ ખેતરમાં લહેરાતા પ્રાકૃતિક ઘઉં, હળદર, ડુંગળી, લસણ, વરિયાળી અને એરંડાના પાકોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પાકની ગુણવત્તા અને વિકાસ જોઈને અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતા આ પાકો માનવ સ્વાસ્થ્ય અને જમીન માટે કેટલા ફાયદાકારક છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતીના મોડલને સમજીને તેને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાનો રહ્યો હતો. આ પ્રસંગે ડૉ. મીનાબહેન ત્રિવેદી અને અન્ય અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અન્વયે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓના નિવારણ અને વધુ સારા ઉત્પાદન માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મદદનીશ ખેતી નિયામકશ્રી આર.એમ. રાઠોડ, એસ.બી. રાઠોડ (ધોળકા પે.વિ.), શ્રી એ.સી. પટેલ, ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામસેવકો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.