બાંગ્લાદેશના નવા વડાપ્રધાન ભારતીય નાગરિકો માટે ફરીથી વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો
જોકે હવે ઢાકામાં યુનુસની વિદાય બાદ બંને દેશો વચ્ચેની કડવાશ દૂર થવાના સંકેત મળ્યા છે.
(એજન્સી) ઢાકા, બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને ભારતીય નાગરિકો માટે ફરીથી વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શેખ હસીના સરકારનો સત્તાપલટો થયો તે પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી હતી.
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પણ વધી હતી. એવામાં હવે ચૂંટણી બાદ ચૂંટાયેલી નવી સરકાર સત્તામાં આવતા જ બાંગ્લાદેશના સૂર બદલાયા છે. એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ હવે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે.
દિલ્હી સ્થિતિ બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે વિઝા સેવા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આશરે બે મહિના અગાઉ બાંગ્લાદેશે ભારતીયોના વિઝા બંધ કર્યા હતા. જોકે ત્રણ દિવસ પહેલા જ મ્દ્ગઁ નેતા તારિક રહેમાને બાંગ્લાદેશના વડાપ્રધાનની ખુરશી સંભાળી છે.
ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બીજી તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ઘટના વધી રહી હતી. એવામાં બંને દેશોએ એકબીજાના નાગરિકો માટે વિઝા પર રોક લગાવી હતી. જોકે હવે ઢાકામાં યુનુસની વિદાય બાદ બંને દેશો વચ્ચેની કડવાશ દૂર થવાના સંકેત મળ્યા છે.
