Western Times News

Gujarati News

મુંબઈમાં ચોમાસાની એન્ટ્રીઃ ૫ કલાકમાં ૯૯ મિમી વરસાદથી જળબંબોળ

ઠેર ઠેર પાણી ભરાયા

મુંબઈમાં ચોમાસાના આગમનમાં સૌથી વધુ વિલંબ વર્ષ ૧૯૫૮ અને ૧૯૭૪ માં થયો હતા જ્યારે ચોમાસું છેક ૨૮ જૂને પહોંચ્યું હતું

મુંબઈ ,સમગ્ર મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે પહોંચી ગયું છે. મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ ભારે વરસાદનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલ રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ લબાલબ છે અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે.ભારે વરસાદને કારણે મુંબઈનો અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભારે પાણી ભરાઈ જવાના કારણે અંધેરી સબવે (અંડરપાસ) સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

વાહનચાલકો અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આ અંડરપાસને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી (એલર્ટ) જારી કરવામાં આવી છે.મુંબઈમાં ગઈકાલે રાત્રે માત્ર ૫ થી ૬ કલાકના ટૂંકા ગાળામાં જ અલગ-અલગ વિસ્તારોમાં ૭૧ થી ૯૯ મિલીમીટર સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. આ પૂર્વે, ૨૩ જૂને સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૭૮.૯૬ મિલીમીટર વરસાદ સેન્ટ્રલ મુંબઈની નાયર હોસ્પિટલ વિસ્તારમાં નોંધાયો હતો.

હાલમાં પણ મુંબઈના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૪ જૂને દિવસભર મધ્યમથી ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહી શકે છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા વધી શકે છે.મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૧૦ જૂન છે, પરંતુ આ વર્ષે ચોમાસું ૨૩ જૂને એટલે કે નિયત સમય કરતાં ૧૩ દિવસ મોડું પહોંચ્યું છે. લાંબા સમયથી ગરમી અને અકળામણથી પરેશાન મુંબઈગરાને આ વરસાદથી મોટી રાહત તો મળી છે, પરંતુ દર વર્ષની જેમ જલજમાવ (વોટરલોગિંગ) ની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે.

હવામાન વિભાગના ડેટા અનુસારઃઐતિહાસિક વિલંબઃ મુંબઈમાં ચોમાસાના આગમનમાં સૌથી વધુ વિલંબ વર્ષ ૧૯૫૮ અને ૧૯૭૪ માં થયો હતો, જ્યારે ચોમાસું છેક ૨૮ જૂને પહોંચ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાએ હવે મુંબઈ ઉપરાંત મધ્ય અરબી સમુદ્ર, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોને પણ કવર કરી લીધા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.