૧૨ રાજ્યોના ૨૦.૨૧ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશઃ ર આરોપી ઝડપાયા
એઝાઝ ઉર્ફે અલ્તાફખાન અને અફવાન ઉસ્માન કાની બંને આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા.
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં સાયબર ગુનાઓ સામે ચાલી રહેલા રાજ્યવ્યાપી “ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦” અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જ્યારે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલો વધુ એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે એઝાઝ ઉર્ફે અલ્તાફખાન ઉર્ફે રોનક પઠાણ (રહે. મોનાપાર્ક, બાયપાસ રોડ, ભરૂચ) તેમજ અફવાન ઉસ્માન કાની (રહે. મદિના પાર્ક, શેરપુરા રોડ, ભરૂચ)ની ધરપકડ કરી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા અને અગાઉથી ખરીદેલા મોબાઇલ સિમકાર્ડને આ ખાતાઓ સાથે લિંક કરીને સાયબર ઠગાઈથી મેળવવામાં આવેલા નાણાંની હેરફેર માટે તેનો ઉપયોગ કર્યો હતો.
સાયબર ક્રાઇમ પોલીસના પ્રાથમિક અનુસંધાન મુજબ આવા “મ્યુલ એકાઉન્ટ”નો ઉપયોગ ઓનલાઈન ઠગાઈના નાણાંને અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ગુનાના નાણાંના સ્ત્રોતને છુપાવવા માટે કરવામાં આવતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
