Western Times News

Gujarati News

ઓનલાઇન ડેટિંગ એપનું ગંભીર પરિણામઃ ત્રિપુરાની યુવતી સાથે ગુરુગ્રામમાં હેવાનિયત

AI Image

(એજન્સી)ગુરુગ્રામ, ગુરુગ્રામમાં એક યુવક ત્રિપુરાની રહેવાસી પોતાની ગર્લફ્રેન્ડના ચરિત્ર પર શંકા કરતો હતો, જેના કારણે તે અવારનવાર તેની સાથે મારપીટ કરતો હતો. પરંતુ ગત દિવસોમાં તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને યુવતીને એટલી હદે મારી કે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી.

ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હવે આ સમગ્ર મામલે ૧૯ વર્ષીય પીડિતાનું નિવેદન સામે આવ્યું છે. યુવતીએ ગુરુગ્રામ પોલીસને જણાવ્યું કે તેના પાર્ટનરે તેના પ્રાઇવેટ પાર્ટ્‌સ પર સેનિટાઈઝર છાંટીને આગ લગાડી દીધી હતી. યુવતીએ આગળ દાવો કર્યો કે, તેના પાર્ટનરે તેના માથા પર મેટલની બોટલ મારી અને પછી તેને દરવાજા તથા કબાટ પર પછાડી હતી.

યુવતીના જણાવ્યા અનુસાર, તે અને શિવમ (આરોપી) સપ્ટેમ્બર ૨૦૨૫માં એક ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. જેના થોડા મહિનાઓ પછી તેઓ સાથે રહેવા લાગ્યા હતા.યુવતીએ દાવો કર્યો કે, તેના પાર્ટનરે માત્ર તેની સાથે મારપીટ જ નહોતી કરી પરંતુ તેના પર ચાકુથી પણ હુમલો કર્યો હતો.

આ મારપીટ સતત ૩ દિવસ સુધી ચાલી હતી. આરોપીએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે ગુરુગ્રામ પોલીસે કલમ ૧૧૫(૨)ઃ સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી, ૧૧૮(૧)ઃ ખતરનાક હથિયારોથી સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી, ૧૨૭(૨)ઃ ખોટી રીતે અટકાયત કરવી અને ૬૯ઃ સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ (છેતરપિંડી દ્વારા) હેઠળ એફઆઈઆર નોંધી છે.

ગુરુગ્રામ પોલીસે આરોપી શિવમની ધરપકડ કરી લીધી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

હાલમાં યુવતીની હાલત હજુ પણ ગંભીર છે અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પીડિતાની માતાએ જણાવ્યું કે, મારી દીકરીએ મને ફોન કર્યો અને મારપીટથી બચાવવા માટે વિનંતી કરી હતી.

માતાની માંગ છે કે, આરોપી શિવમ વિરુદ્ધ રેપ અને હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવે. માતાનું કહેવું છે કે તેમને ખબર નહોતી કે તેમની દીકરી ગુરુગ્રામમાં શિવમ સાથે રહી રહી છે.

એફઆઈઆરમુજબ, પીડિતા મૂળ ત્રિપુરાની વતની છે અને ગુરુગ્રામના સેક્ટર-૬૯માં એક પીજીમાં રહીને બીએસસી બાયોટેકનો અભ્યાસ કરી રહી હતી. તેની મુલાકાત દિલ્હીના નરેલાના રહેવાસી શિવમ નામના યુવક સાથે એક ઓનલાઇન એપ દ્વારા થઈ હતી. બંને વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૫ થી વાતચીત શરૂ થઈ અને બાદમાં તેઓ મળવા લાગ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.