૫૦૦થી વધુ સૈનિકોને માર્યાનો ઈરાનનો દાવો અમેરિકાએ ફગાવ્યો
ઈઝરાયલે બેરુતમાં તબાહી મચાવી
અમેરિકી સેનાએ ઈરાનના ૯ મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કરી દીધું છે : ડોનાલ્ડ ટ્રમ્પ
નવી દિલ્હી,મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એ ઈરાન વિરુદ્ધ એર સ્ટ્રાઈકનો વીડિયો શેર કર્યાે હતો. જેમાં ઈરાની એરબેઝ, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન સાઇટ અને અન્ય સૈન્ય ઈમારતો પર હુમલો બતાવાયો છે.
ઉલ્લેખનીય છે કે ખામેનેઈના મોત બાદ લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને પણ ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવતા રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનું શરુ કરી દીધું છે જેના લીધે ઈઝરાયલની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે હવે ઈઝરાયલે તેમના હુમલાનો જવાબ આપતા લેબેનોનની રાજધાની બેરુતમાં પ્રચંડ હુમલો કર્યાે હતો જેના દૃશ્યો સામે આવ્યા છે. ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર અનેક ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. IRGCનો દાવો છે કે તેમણે કુવૈતનું ‘અલી અલ-સલેમ‘ એરબેઝ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે. બીજી તરફ, UAEમાં હુમલાના કારણે એમેઝોનની ક્લાઉડ યુનિટ AWS ના ડેટા સેન્ટરમાં આગ લાગી છે, જેનાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ છે.
બહેરીનમાં પણ અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે અમેરિકી સેનાએ ઈરાનના ૯ મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કરી દીધું છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યો કે આ ઓપરેશન આગામી ૪ અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે. અત્યાર સુધી અમેરિકાએ ઈરાનના ૧૦૦૦ થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યાે છે.ઈઝરાયલી સેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ તેહરાન પર મોટો હુમલો કર્યાે છે.
આ હુમલામાં એક હોસ્પિટલ અને ઈરાનના સરકારી ટીવી મુખ્યાલયને નુકસાન થયું છે, જેના કારણે ટીવી પ્રસારણ બંધ થઈ ગયું છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “અમે આતંકી શાસનને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપ્યું હતું અને તે અમે કરીને જ રહીશું.”ઈરાનના IRGC એ દાવો કર્યાે છે કે તેમના મિસાઈલ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં ૫૬૦ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે.
તેમણે અમેરિકન યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ પર ચાર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યાે હોવાનું પણ જણાવ્યું છે, જોકે અમેરિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે.અમેરિકા, સાઉદી અરેબિયા, UAE, કતાર અને કુવૈત સહિત ૭ દેશોએ ઈરાનના મિસાઈલ હુમલાની સખત નિંદા કરી છે. દરમિયાન, એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના દેશો (UAE, સાઉદી, ઈઝરાયલ, કતાર) માટેની તમામ ફ્લાઈટ્સનું સસ્પેન્શન ૨ માર્ચની રાત્રિ સુધી વધારી દીધું છે.ss1
