Western Times News

Gujarati News

ગુજરાત ટાઇટન્સે ટાટા IPL 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે મેથ્યુ હેડનની નિમણૂંક કરી

અમદાવાદ, 10 માર્ચ, 2026: ગુજરાત ટાઇટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન પહેલા ફ્રેન્ચાઇઝના બેટિંગ કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર મેથ્યુ હેડનની નિમણૂંકની જાહેરાત કરી છે.

વર્લ્ડ કપ વિજેતા અને તેમના યુગના સૌથી પ્રભાવશાળી ઓપનિંગ બેટ્સમેનોમાંના એક હેડન ભવ્ય આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને આધુનિક સમયના ટી20 બેટિંગ ડાયનેમિક્સમાં કુશળતા સાથે ટાઇટન્સની ટીમમાં જોડાય છે. તેઓ 2026ની સિઝન માટે નવા જોશ સાથે તૈયારી કરી રહેલી ફ્રેન્ચાઇઝના સપોર્ટ સ્ટાફને મજબૂત બનાવશે. Gujarat Titans appoint Matthew Hayden as batting coach ahead of TATA IPL 2026

આ નિમણૂંક અંગે ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, “મેથ્યુની નિમણૂંક અમારી સફરના એક મહત્વપૂર્ણ તબક્કામાં કરવામાં આવી છે. શ્રેષ્ઠતા અને લાંબા ગાળાની સફળતા માટે પ્રતિબદ્ધ ફ્રેન્ચાઇઝી તરીકે, અમે સતત અમારી ક્રિકેટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરે તેમનો અનુભવ અને ઉભરતી પ્રતિભાને માર્ગદર્શન આપવાની તેમની ક્ષમતા, આગામી સિઝન માટે અમારી બેટિંગ ઓળખને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

પોતાની નિમણૂંક અંગે હેડને જણાવ્યું હતું કે, “સારી બેટિંગ દબાણ ઊભું કરે છે. સારી બેટિંગ રમત પર પોતાનો દબદબો જમાવે છે. ગુજરાત ટાઇટન્સ માટે અમે આ જ માપદંડો સ્થાપવા માંગીએ છીએ.”

હેડને ઓસ્ટ્રેલિયા તરફથી વિવિધ ફોર્મેટ્સમાં 273 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેમણે 15,000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે અને અનેક આઈસીસી ટુર્નામેન્ટ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બેટિંગ પ્રત્યેના તેમના આક્રમક છતાં ટેક્નિકલી મજબૂત અભિગમે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પાવરપ્લેનું પ્રભુત્વ જમાવવા માટે શરૂઆતનો પાયો નાંખ્યો હતો. તેમણે 32 આઈપીએલ મેચો પણ રમી હતી અને લીગની ઉચ્ચ-તીવ્રતાની માંગને અનુરૂપ રમતની શૈલી દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.