Western Times News

Gujarati News

ભારતમાં ૪૦% યુવા ગ્રેજ્યુએટ્‌સ પાસે કોઈ નોકરી નથી

Files Photo

૨૫ થી ૨૯ વર્ષના ૨૦ ટકા ગ્રેજ્યુએટ્‌સ બેકાર

દેશમાં દર વર્ષે એવરેજ ૫૦ લાખ ગ્રેજ્યુએટ્‌સ ઉમેરાય છે, જેમાંથી માત્ર ૨૮ લાખ જ નોકરી મેળવી શકે છે

નવી દિલ્હી,દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ, તેમના માટે નોકરીઓ ઉપલબ્ધ નથી. જેના કારણે દેશમાં ગ્રેજ્યુએટ બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરના રિપોર્ટમાં આ ચિંતાજનક હકીકત સામે આવી છે. રિપોર્ટ મુજબ, દેશમાં ૨૦૦૪થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે સરેરાશ ૫૦ લાખ ગ્રેજ્યુએટ્‌સ ઉમેરાયા પરંતુ, તેની સામે નોકરી ફક્ત ૨૮ લાખને જ મળી. દેશમાં ૨૫ વર્ષ સુધીની ઉંમરના ગ્રેજ્યુએટ્‌સમાં બેરોજગારીનો દર આશરે ૪૦ ટકા જેટલો છે. ૨૫થી ૨૯ વર્ષના યુવાનોમાં ૨૦ ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર છે.

૨૦૨૩ સુધીમાં ૨૦થી ૨૯ વર્ષની ઉંમરના લગભગ ૧.૧ કરોડ ગ્રેજ્યુએટ બેરોજગાર હતા. અન્ય ચિંતાજનક વાત એ છે કે, બેરોજગાર ગ્રેજ્યુએટ્‌સમાંથી માત્ર ૭ ટકા લોકો જ એક વર્ષની અંદર સ્થાયી નોકરી મેળવી શક્યા છે. ૨૦૨૧-૨૨થી ૨૦૨૩-૨૪ દરમિયાન દેશમાં ૮.૩ કરોડ નોકરીઓ ઉમેરાઈ પરંતુ, તેમાંથી લગભગ ૪ કરોડ નોકરીઓ કૃષિ ક્ષેત્રની હતી. જે મોટાભાગે ઓછી આવકવાળી નોકરીઓ હોય છે. દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા ૧,૬૪૪થી વધીને ૭૦૦૦૦થી વધુ થઈ ગઈ છે. પરંતુ,ઘણી સંસ્થાઓના ગ્રેજ્યુએટ્‌સમાં બજારની જરૂરિયાત મુજબના કૌશલ્યનો અભાવ જોવા મળી રહ્યો છે.

જ્યારે, મેન્યુફેક્ચકિંગ સેક્ટર અપેક્ષા મુજબ નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યું છે. સામાન્ય રીતે માનવામાં આવતું હોય છે કે, ભણેલા વ્યક્તિ અભણ વ્યક્તિ કરતા વધુ કમાણી કરે. પરંતુ, આ અભ્યાસમાં સામે આવ્યું છે કે, જેની પાસે ડિગ્રી નથી તે ડિગ્રીવાળા વ્યક્તિથી વધુ કમાણી કરી રહ્યા છે. એટલે કે, સામાન્ય રીતે વિકસિત દેશોમાં જોવા મળતું ‘ગ્રેજ્યુએટ અ‹નગ પ્રીમિયમ‘ (ભણતરનું વળતર) ભારતમાં નથી જોવા મળી રહ્યું. ભણેલા વ્યક્તિનો સીધો મુકાબલો અભણ વ્યક્તિ સાથે થઈ રહ્યો છે. જે ચિંતાજનક પરિસ્થિતિ સૂચવે છે.આ અભ્યાસમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઈ જોવા મળી રહી છે.

મોટાભાગના પ્રોફેશનલ કોર્સમાં અમીર વિદ્યાર્થીઓ જ ભણી રહ્યા છે. જ્યારે, ગરીબ વિદ્યાર્થીઓ સસ્તી અને સામાન્ય જનરલ ડિગ્રી સુધી મર્યાદિત રહે છે. જેથી જોબ માર્કેટમાં તેઓ જ્યારે પહોંચે છે ત્યારે, પ્રતિભા હોવા છતાં નોકરી મેળવવામાં સંઘર્ષ કરવો પડે છે. બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સાથે સાથે નોકરીઓની ભારે અછત જોવા મળી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.