લોજમાં મહિલાના ફોટા પાડી શરૂ કર્યાે બાબા ઋષિકેશ વૈદ્યે બ્લેકમેલિંગનો ખેલ
‘હું મહાદેવનો અવતાર છું’ કહીને મહિલાની લાજ લૂંટી -પાલઘર જિલ્લાનો રહેવાસી તથાકથિત બાબા ઋષિકેશ વૈદ્યે ૩૫ વર્ષીય મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી
મુંબઈ, મહારાષ્ટ્રમાં તાજેતરમાં ઝડપાયેલા લંપટ બાબા અશોક ખરાતનો કેસ હજુ સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી, ત્યાં મહારાષ્ટ્રમાંથી વધુ એક ઢોંગી બાબાના કાંડ ઉઘાડા પડ્યા છે. આ ઢોંગી બાબાએ ભગવાન ભોળાનાથના નામે એક મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.
પાલઘર જિલ્લાનો રહેવાસી તથાકથિત બાબા ઋષિકેશ વૈદ્યે પોતાને ભગવાન શિવનો અવતાર ગણાવીને ૩૫ વર્ષીય મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી.
પીડિતા, જે પુણેની રહેવાસી છે, તે વર્ષ ૨૦૨૩માં ફેસબુકના માધ્યમથી આ આરોપીના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં તેણે તેનો વિશ્વાસ જીત્યો હતો, પછી ધીરે-ધીરે પોતાની અસલી સાજિશને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર ૨૦૨૩માં આરોપી પુણે પહોંચ્યો અને મહિલા સાથે મુલાકાત કરી. તેણે પોતાને ભગવાન શિવનો કહીને મહિલાને ‘પાર્વતી’ તરીકે સંબોધી અને માનસિક રીતે પોતાના વશમાં કરી લીધી હતી. ત્યારબાદ આરોપીએ મહિલાને મંજરી વિસ્તારમાં આવેલી એક લોજમાં લઈ જઈને તેને નશીલો પદાર્થ પીવડાવ્યો.
જ્યારે મહિલા બેહોશ થઈ ગઈ, ત્યારે તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે તેણે આ દરમિયાન મહિલાની અંગત તસવીરો પણ ખેંચી લીધી હતી. અહીંથી જ બ્લેકમેલિંગનો ભયાનક ખેલ શરૂ થયો. આરોપીએ તે જ તસવીરોના આધારે મહિલાને ધમકી આપવાનું શરૂ કર્યું અને વારંવાર તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. મે ૨૦૨૪માં તેણે મહિલાને વસઈની એક હોટલમાં બોલાવી અને ફરીથી જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ડરી ગયેલી મહિલા લાંબા સમય સુધી મૌન રહી હતી, પરંતુ જ્યારે અશોક ખરાતનો મામલો સામે આવ્યો ત્યારે તેને હિંમત મળી અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે જણાવ્યું કે, આ મામલો પુણેનો હોવાથી પહેલા ‘ઝીરો એફઆઈઆર’ નોંધાઈ હતી અને ત્યારબાદ તપાસ હડપસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
સૌથી આઘાતજનક વાત એ છે કે પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, આ ચાલાક બાબા આવી જ રીતે ઘણી મહિલાઓને પોતાની જાળમાં ફસાવી ચૂક્્યો છે. હાલમાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ એક વખત ફરી સવાલ ઉઠાવ્યો છે — આખરે ક્્યારે સુધી લોકો આસ્થાના નામે આવા ઢોંગીઓના શિકાર બનતા રહેશે?
