Western Times News

Gujarati News

નાઇજિરિયાના સૈન્યે ભૂલથી બજાર પર બોમ્બ ઝીંકાતાં ૩૦૦ નાગરિકોનાં મોત

મેદુગુરી, નાઇજીરીયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી એક કરૂણ ઘટના બની છે. અહીં આતંકીઓનો પીછો કરી રહેલા નાઈજીરિયાના સૈન્યના યુદ્ધ વિમાનોએ ભૂલથી લોકોથી ધમધમતા બજાર પર બોમ્બ ફેંકી દીધો હતો, જેના કારણે ઓછામાં ઓછા પોતાના જ દેશના ૩૦૦ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ ઘટના શનિવારે રાતે બની છે.

નાઇજીરીયાની વાયુસેનાના યુદ્ધ વિમાનો કટ્ટરવાદી આતંકી સંગઠન બોકો હરામના આતંકીઓની શોધમાં હતા ત્યારે તેમણે બોમ્બમારો કર્યાે હતો.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનોએ બોર્નાે અને યોબે રાજ્યની સરહદ પર આવેલા જિલ્લીના બજારને નિશાન બનાવ્યું હતું. ઘટનાસ્થળે ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ભૂલથી બોમ્બ ફેકવામાં આવ્યા તે સમયે બજારમાં ભારે ભીડ હતી અને લોકો ખરીદીમાં વ્યસ્ત હતા.

બોમ્બ પડતાં ક્ષણભરમાં બજાર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે નાઇજીરીયાની વાયુસેનાએ આતંકીઓને માર્યા હોવાનો દાવો તો કર્યાે છે, પરંતુ બજાર પર થયેલા હુમલાની વાત સ્વીકારવાનો ઇનકાર કર્યાે છે.

વાયુસેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે તેમણે બોર્નાે રાજ્યના જિલ્લી ક્ષેત્રમાં બોકો હરામના આતંકીઓને ઠાર કર્યા છે, પરંતુ સામાન્ય નાગરિકોના મોતના મામલે વાયુસેનાએ મૌન ધારણ કરી લીધું છે. બીજી તરફ, પાડોશી રાજ્ય યોબેની સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવાઈ હુમલો બજારની પાસે જ થયો છે.

યોબે રાજ્યના સૈન્ય સલાહકાર બ્રિગેડિયર જનરલ દાહિરુ અબ્દુસલામે ખરાઈ કરીને કહ્યું કે, જિલ્લીના સાપ્તાહિક બજારમાં ગયેલા અનેક લોકો આ જીવલેણ હુમલાનો ભોગ બન્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.