Western Times News

Gujarati News

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘અશોક વન’નું નિર્માણ અને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી:

આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ બચાવવા, વૃક્ષો વાવવા અને પ્રકૃતિ બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

આજના આ વિશેષ દિવસે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સાયન્સ સિટી કેમ્પસમાં અશોક વનમાં વિશેષ રૂપે પવિત્ર અને ઔષધીય ગુણો ધરાવતા સીતા અશોક વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. સીતા અશોક વૃક્ષ તેના સુંદર કેસરી-લાલ ફૂલો અને ઘટાદાર છાયડા માટે જાણીતું છે, જે માત્ર પર્યાવરણને શુદ્ધ કરવાનું જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ અનેરું મહત્વ ધરાવે છે.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ જાળવણીમાં પોતાનો મહત્વનો ભાગ ભજવ્યો હતો.

આજના આ કાર્યક્રમ સાથે જ સાયન્સ સિટી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આજથી જ સમગ્ર ચોમાસા દરમિયાન ચાલનારા વૃક્ષારોપણનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વૃક્ષારોપણ અંતર્ગત ચોમાસાની ઋતુનો મહત્તમ લાભ લઈ, સાયન્સ સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો નવા વૃક્ષો વાવવાનો અને તેને ઉછેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સાયન્સ સિટી દ્વારા આ પ્રસંગે તમામ નાગરિકોને એક અનુરોધ કરાયો હતો કે: “આપણે સૌ આ પર્યાવરણ દિવસથી સંકલ્પ લઈએ કે આવનારી પેઢીને શુદ્ધ હવા અને હરિયાળું ભવિષ્ય આપવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશું અને એક બાળકની જેમ તેનું જતન કરીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.