ઠક્કરબાપાનગરમાં AMC અને પોલીસનું મેગા ડ્રાઈવ
કેનાલ રોડ સુધીના રસ્તા પરથી દબાણો હટાવાયા, ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી
અમદાવાદ: શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસ પ્રશાસન દ્વારા સંયુક્ત એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શનિવાર, ૬ જૂન ૨૦૨૬ના રોજ ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વોર્ડ વિસ્તારમાં દબાણ હટાવવાની એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ મેગા ડ્રાઈવ માટે AMCના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ (ઉત્તર ઝોન), નિકોલ પોલીસ સ્ટેશન તેમજ જે-ડિવિઝન ટ્રાફિક પોલીસની એક સંયુક્ત ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે ઠક્કરબાપાનગર બ્રિજથી શરૂ કરીને કોઠિયા હોસ્પિટલ થઈને કેનાલ રોડ સુધીના સમગ્ર માર્ગ પર ધામા નાખ્યા હતા.
કાર્યવાહી દરમિયાન રસ્તા પર અડચણરૂપ બનેલા તમામ ગેરકાયદેસર દબાણોને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસે આવા વાહનોને લોક મારવાની તેમજ સ્થળ પર જ આકરા દંડના ચલણ ફાડવાની કડક કામગીરી કરી હતી.
તંત્રની આ આકસ્મિક અને કડક સંયુક્ત કાર્યવાહીથી સ્થાનિક દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે વાહનચાલકો અને રાહદારીઓએ રસ્તાઓ ખુલ્લા થતાં રાહતનો શ્વાસ લીધો છે.
