વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ: આપણી થાળીમાં છુપાયેલો અદ્રશ્ય ખતરો
તાજેતરમાં અમદાવાદની એક હોસ્ટેલમાં થયેલી ફૂડ પોઇઝનિંગની ઘટના માત્ર એક સમાચાર બનીને ભૂલાઈ જવી જોઈએ નહીં. આ ઘટના આપણને ખોરાકની સુરક્ષા અંગે વધુ ગંભીરતાથી વિચારવાની અને જરૂરી પગલાં લેવાની ચેતવણી આપે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ પોઇઝનિંગની અનેક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ એક મહત્વની હકીકત તરફ ધ્યાન દોરે છે કે અસુરક્ષિત ખોરાક હંમેશા બગડેલો કે દુર્ગંધવાળો દેખાતો નથી. ઘણી વખત દેખાવમાં એકદમ સારું લાગતું ભોજન પણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
ડો. યોગેશ ગુપ્તા, ડિરેક્ટર – ઇન્ટરનલ મેડિસિન અને જેરિયાટ્રિક્સ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ
બે મહિના પહેલાં અમદાવાદની એક હોસ્ટેલમાં રહેતી 96 યુવતીઓને ફૂડ પોઇઝનિંગની શંકા સાથે તાત્કાલિક સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં લાવવામાં આવી હતી. તેમના ગભરાયેલા ચહેરા અને તકલીફમાં રહેલી આ યુવતીઓનું દ્રશ્ય આજે પણ મારા મનમાં તાજું છે.

Sterling Hospitals,
Ahmedabad
આવી ઘટનાઓ કોઈ એક જ જગ્યા કે સમય પૂરતી સીમિત નથી. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આવી જ ઘટનાઓ સામે આવી છે. આ બતાવે છે કે ખોરાકથી થતી બીમારીઓ માત્ર કોઈ નિયમો કે કાયદાઓ સાથે જોડાયેલો મુદ્દો નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટેનો ગંભીર પડકાર છે.
7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે અસુરક્ષિત ખોરાક આપણને પહેલેથી કોઈ ચેતવણી આપતો નથી. તે હંમેશા દુર્ગંધવાળો કે બગડેલો દેખાય એવું જરૂરી નથી. સેલ્મોનેલા જેવા બેક્ટેરિયા, વાયરસ અને અન્ય ઝેરી તત્વો એવા ખોરાકમાં પણ હોઈ શકે છે જે દેખાવમાં એકદમ તાજો અને સ્વચ્છ લાગે.
હોસ્પિટલમાં મને વારંવાર એવા દર્દીઓ જોવા મળે છે જેમને પેટમાં દુઃખાવો, સતત ઉલ્ટી, ઝાડા અને તાવ જેવી તકલીફો હોય છે. મોટાભાગના દર્દીઓ સમયસર સારવારથી સાજા થઈ જાય છે, પરંતુ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ બીમારીઓ ગંભીર સાબિત થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં કિડનીને નુકસાન, લોહીમાં ચેપ અને મૃત્યુ પણ થઈ શકે છે.
ઘણા લોકો એવું માને છે કે ફૂડ પોઇઝનિંગ માત્ર રસ્તા પર રહેલી લારી કે દુકાનો પર મળતા ખોરાકથી જ થાય છે. પરંતુ હકીકત અલગ છે. ખોરાક કોઈપણ જગ્યાએ દૂષિત થઈ શકે છે. હોસ્ટેલ, શાળાની કેન્ટીન, ઓફિસના કેફેટેરિયા, મોટી હોટલો, સામૂહિક રસોઇઘરો અને આપણા ઘરોમાં પણ આ જોખમ રહેલું છે.
ખોરાકને યોગ્ય રીતે ન રાખવો, ગંદા પાણીનો ઉપયોગ કરવો, માંસને પૂરતું ન રાંધવું, ફળ અને શાકભાજી સારી રીતે ન ધોવા, કાચા અને રાંધેલા ખોરાકને સાથે રાખવા તેમજ ખોરાક બનાવનાર લોકો સ્વચ્છતા ન જાળવે જેવા કારણો મુખ્ય જવાબદાર હોય છે.
આધુનિક જીવનશૈલીને કારણે આ જોખમ વધુ વધ્યું છે. ફૂડ ડિલિવરી એપ્સ, તૈયાર ખોરાક અને એકસામટું ઘણુંબધું ભોજન બનાવવાની વધતી પ્રથાને કારણે ખોરાક ઘણા લોકોના હાથમાંથી પસાર થઈને આપણી થાળી સુધી પહોંચે છે. ઘણી વખત બચેલો ખોરાક લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે છે અથવા યોગ્ય રીતે ફ્રિજમાં રાખવામાં આવતો નથી. લોકો ઘણીવાર એક્સપાયરી ડેટ પણ તપાસતા નથી અને સાવચેતી કરતાં સુવિધાને વધુ મહત્વ આપે છે.
સારી વાત એ છે કે આ સમસ્યાથી બચવાના ઉપાયો ખૂબ સરળ છે. ભોજન બનાવતા પહેલાં અને જમતા પહેલાં હાથ સારી રીતે ધોવા, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો, ખોરાકને સારી રીતે રાંધવો, કાચા અને રાંધેલા ખોરાકને અલગ રાખવા અને રસોડાની સ્વચ્છતા જાળવવી જેવી સામાન્ય બાબતો પણ ફૂડ પોઇઝનિંગનું જોખમ ઘણું ઓછું કરી શકે છે.
ખાસ કરીને શાળાઓ, કોલેજો અને હોસ્ટેલોમાં મોટી સંખ્યામાં ભોજન તૈયાર થતું હોવાથી ત્યાં વધુ સાવધાની જરૂરી છે. ખાદ્ય સામગ્રીની ખરીદીથી લઈને તેના સંગ્રહ, સ્ટાફની તાલીમ અને નિયમિત તપાસ સુધી દરેક બાબતમાં કડક નિયમોનું પાલન થવું જોઈએ. તાજેતરની હોસ્ટેલ ઘટના દરેક સંચાલક માટે એક ચેતવણી છે કે ખાદ્ય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન ચાલે.
ખાદ્ય સુરક્ષા અંગેની જાગૃતિ માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. જેમ આપણે બાળકોને ટ્રાફિકના નિયમો અને ઓનલાઈન સુરક્ષા વિશે શીખવીએ છીએ, તેમ ખોરાકની સુરક્ષા વિશે પણ સમજ આપવી જરૂરી છે. દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે તે જે ખોરાક ખાઈ રહ્યો છે તે ક્યાંથી આવ્યો છે, તેને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે કે નહીં. આવી સાવચેતી આપણને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે.
ફૂડ પોઇઝનિંગના કારણે માત્ર લોકો બીમાર જ થતા નથી, પરંતુ તેના કારણે સારવારનો ખર્ચ વધે છે, કામકાજનું નુકસાન થાય છે અને આરોગ્ય સેવાઓ પર ભાર પણ વધે છે. સારવાર કરતાં બચાવ હંમેશા વધુ સરળ અને ઓછો ખર્ચાળ હોય છે. ખાદ્ય સુરક્ષા એ ખેતરથી લઈને થાળી સુધીની દરેક કડી સાથે જોડાયેલી જવાબદારી છે. આ સાંકળની એક પણ કડી નબળી પડે તો લોકોના સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે.
આ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસે માત્ર જાગૃતિ પૂરતી ન રાખીએ, પરંતુ તેને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવીએ. સુરક્ષિત ખોરાક કોઈ સુખ-સુવિધા નથી, પરંતુ સારા સ્વાસ્થ્ય માટેની મૂળભૂત જરૂરિયાત છે. એક ડોક્ટર તરીકે અમે દરરોજ જોઇએ છીએ કે સારો ખોરાક લોકોને સ્વસ્થ રાખે છે, જ્યારે અસુરક્ષિત ખોરાક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આપણે જે ભોજન તૈયાર કરીએ છીએ અને ખાઈએ છીએ તે આપણા શરીરને પોષણ આપે તેવું હોવું જોઈએ, નુકસાન પહોંચાડે તેવું નહીં. તેના માટે જરૂરી સાવધાની રાખવી આપણા સૌની જવાબદારી છે.
