Western Times News

Gujarati News

સિમેન્ટના ધાબા પર લહેરાશે હરિયાળી: તમે પણ બની શકો છો ‘અર્બન ફાર્મર’

શહેરી ખેતી: કાળઝાળ ગરમીમાં ધાબાને બનાવો નંદનવન અને મેળવો ઓર્ગેનિક શાકભાજી તથા ફળ

આધુનિક ટેકનિકથી ધાબા પર ખેતી અને મળશે ઓર્ગેનિક શાકભાજી સાથે ગરમીથી મુક્તિ

વધતા જતા શહેરીકરણને કારણે ઉનાળામાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. આવા સમયે ‘ટેરેસ ગાર્ડનિંગ’ અથવા ‘શહેરી ખેતી’ એ માત્ર શોખ પૂરતો મર્યાદિત ન રહેતા, ગરમી સામે લડવાનું એક સચોટ હથિયાર સાબિત થઈ રહ્યું છે.

પોતાના ધાબા પર ગ્રીનરી જાળવી રાખવાથી ઘરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને સાથે જ તાજા, ઓર્ગેનિક શાકભાજી પણ ઉપલબ્ધ થાય છે. ગરમીના પ્રકોપ વચ્ચે પણ તમારા બગીચાને લીલોછમ રાખવા માટે કેટલીક આધુનિક પદ્ધતિઓ અને સરકારની પ્રોત્સાહક યોજનાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે.

શહેરી ખેતી એટલે શહેરની મર્યાદિત જગ્યાઓ જેવી કે ઘરની અગાશી, બાલ્કની, ઘરની પાછળનો ભાગ અથવા ખુલ્લા પ્લોટમાં શાકભાજી, ફળો કે ફૂલો ઉગાડવા. તેને ‘ટેરેસ ગાર્ડનિંગ’ કે ‘કિચન ગાર્ડનિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સૂર્યના કિરણો સીધા ધાબા પર પડે છે, ત્યારે લૂ અને ગરમીથી છોડને બચાવવા એક પડકાર હોય છે. આ માટે સૌથી અસરકારક ઉપાય ‘ગ્રીન નેટ’ (એગ્રો નેટ) છે.

આ નેટ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને ફિલ્ટર કરે છે, જેનાથી છોડને જરૂરી પ્રકાશ મળે છે પણ ગરમીની તીવ્રતા ઘટી જાય છે. આ ઉપરાંત, ઉનાળામાં ‘મલ્ચિંગ’ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. કુંડાની માટીની ઉપર સૂકા પાંદડા અથવા નાળિયેરના છોતરાનું પડ કરવાથી ભેજ લાંબો સમય ટકી રહે છે અને વારંવાર પાણી આપવાની જરૂર પડતી નથી.

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા ગૃહિણી વિરલ મહેતા ઘરની અગાશી, બાલ્કનીમાં ખેતી કરી ‘અર્બન ફાર્મર’ બન્યા છે. તેઓ જણાવે છે કે શહેરી ખેતી એ આપણા જીવનમાં હરિયાળી લાવવાનો એક ઉત્તમ માર્ગ છે. શહેરી ખેતી એટલે કે તમારા ઘરની અગાશી, બાલ્કની કે આંગણાની નાની જગ્યામાં પોતાની જરૂરિયાત મુજબના શાકભાજી અને ફળો ઉગાડવા.

આ પદ્ધતિ અત્યારે ખૂબ જ લોકપ્રિય બની રહી છે કારણ કે બજારમાં મળતા શાકભાજીમાં કેમિકલ અને જંતુનાશક દવાઓનું પ્રમાણ વધારે હોય છે. જો આપણે ઘરના કુંડામાં ટામેટા, મરચાં, કોથમીર કે લીમડો ઉગાડીએ, તો આપણને એકદમ તાજું અને કેમિકલમુક્ત ભોજન મળે છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ ખેતી શરૂ કરવા માટે બહુ મોટી જમીનની જરૂર નથી, માત્ર થોડા કુંડા, સારી માટી અને સૂર્યપ્રકાશ હોય તો પણ કામ થઈ જાય છે.

રસોડાનો ભીનો કચરો જેમ કે શાકભાજીની છાલ કે ફળોના અવશેષોમાંથી આપણે ઘરે જ કુદરતી ખાતર બનાવી શકીએ છીએ, જેનાથી કચરાનો નિકાલ થાય છે અને છોડને પોષણ મળે છે. ઘરની અગાશી પર છોડ હોવાથી ઉનાળામાં ઘરનું તાપમાન પણ નીચું રહે છે અને મનને શાંતિ મળે છે. આમ, શહેરી ખેતી એ માત્ર ખોરાક મેળવવાનો રસ્તો નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાવાનો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો એક સુંદર પ્રયાસ છે. દરેક વ્યક્તિએ નાના પાયે પણ પોતાના ઘરે આ પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ.

પાણીના વ્યવસ્થાપન માટે ટપક સિંચાઈ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પદ્ધતિથી છોડના મૂળમાં સીધું પાણી મળે છે, જેનાથી પાણીનો બગાડ અટકે છે અને ગરમીમાં પણ છોડ સુકાતા નથી. ઘણા લોકો હવે હાઈડ્રોપોનિક્સ (માટી વગરની ખેતી) તરફ વળી રહ્યા છે, જેમાં પોષક તત્વોયુક્ત પાણીમાં જ છોડનો ઉછેર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ગરમીનું નિયંત્રણ વધુ સારી રીતે થઈ શકે છે અને ઓછી જગ્યામાં વધુ પાક મેળવી શકાય છે.

શહેરના બાગાયત અધિકારી હાર્દિકભાઈ કાલાવડિયાએ જણાવ્યું છે કે પર્યાવરણની જાળવણી અને શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર પણ સક્રિય છે. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા શહેરી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં “અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તરીકે તાલીમ આપવાની યોજના “હેઠળ શહેરી વિસ્તારના નાગરિકોને વિનામૂલ્યે એક દિવસીય શહેરી બાગાયત ખેતી વિશે તાલીમ આપવામાં આવે છે તેમજ તાલીમના અંતે ગાર્ડનિંગ કિટ્સ પણ  આપવામાં આવે છે.

આ કિટમાં શાકભાજી બિયારણ, ખાતર, ટૂલ્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તેમજ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેથી સામાન્ય નાગરિક પણ ઓછા ખર્ચે ટેરેસ ગાર્ડનિંગ કે ઘરની બાલ્કની તથા આંગણામાં ખેતી શરૂ કરી શકે છે. તેમજ તાલીમમાં કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, કુંડા ભરવાની યોગ્ય પદ્ધતિઓ, પ્લાન્ટ ઉછેરવાની રીત, વિવિધ ખાતરો, કિચન વેસ્ટ કમ્પોસ્ટ બનવાની રીત તેમજ બેઝિક ઓફ માઇક્રોગ્રીન્સ તેમજ હાઇડ્રોપોનિક જેવા વિષયો પર સમજ આપવામાં આવે છે.

આ ઉપરાંત, કૃષિ યુનિવર્સિટીઓ અને આત્મા (ATMA) પ્રોજેક્ટ દ્વારા સમયાંતરે શહેરીજનો માટે તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધાબા પર શાકભાજી કેવી રીતે ઉગાડવા, જૈવિક ખાતર કઈ રીતે બનાવવું અને જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવે છે.

તેમજ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઘરના ભીના કચરામાંથી ખાતર બનાવતા યુનિટ્સ સ્થાપવા માટે પણ અનેક નગરપાલિકાઓ આર્થિક સહાય પૂરી પાડે છે. સરકારનું આ યોગદાન અને નાગરિકોની જાગૃતિ ભેગી મળીને ગરમીની સમસ્યા સામે એક મજબૂત કવચ તૈયાર કરી શકે છે. તેમજ શહેરના નાગરિકોને ઓર્ગેનિક શાકભાજી તથા ફળ પોતોના ઘરે જ મળી રહેશે.

આલેખન-સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.