રાજ્યમાં છેલ્લા દાયકામાં 5 નવા મ્યુઝિયમ બન્યા: છેલ્લાં બે વર્ષમાં 16 લાખથી વધુ મુલાકાતીઓ
ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર-રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 16 લાખથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યા મ્યુઝિયમ
ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાનની સાથે જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા: પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્મા
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૬ લાખથી વધુ નાગરીકોએ વિવિધ મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયની મુલાકાત લીધી છે તેમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બદલાતા સમય સાથે ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે.
છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતમાં અનેક મ્યુઝિયમ બન્યા છે. જેમાં કચ્છના ભૂકંપ સામે ઝીંક ઝીલનારા કચ્છીઓની ખમીરને દર્શાવતું સ્મૃતિવન, ગાંધી વિચારના વારસાને જીવંત કરતું દાંડી કુટીર અને વડાપ્રધાનશ્રીના વતન એવા વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વડનગર એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
સમયને અનુરૂપ મ્યુઝિયમોનું સ્વરૂપ બદલાયું છે. આજે ગુજરાતના મ્યુઝિયમો માત્ર કલાકૃતિ ના સંગ્રહ સ્થાનને બદલે ઇન્ટરેક્ટિવ અને ડિજિટલ લર્નિંગના વૈશ્વિક કેન્દ્રો બન્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ દરમિયાન દેશમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્રને ગુજરાત સરકારે ચરિતાર્થ કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આર્થિક વિકાસની સાથે-સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને જાળવણી કરી નવી પેઢીને તેના પુરાતન વારસાનો પરિચય કરાવ્યો છે.
પરંપરાથી ટેક્નોલોજી સુધી સમય સાથે બદલાયું મ્યુઝિયમનું સ્વરૂપ
ભૂતકાળમાં મ્યુઝિયમ એટલે માત્ર કાચની પેટીઓમાં રાખેલી જૂની મૂર્તિઓ કે સિક્કાઓ જોવાનું સ્થળ ગણાતું હતું. પરંતુ છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાત સરકારે આ વ્યાખ્યામાં પરિવર્તન આણ્યું છે. આજે રાજ્યના સંગ્રહાલયોમાં યુવા પેઢી પોતાની વિરાસતને માત્ર જુએ નહીં પરંતુ અનુભવી પણ શકે તે હેતુથી AR/VR (ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી), 3D પ્રોજેક્શન મેપિંગ, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ટચસ્ક્રીન જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતના વારસાને વૈશ્વિક સ્તરે મૂકતા મ્યુઝિયમ
સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ (ભુજ):* ૨૦૦૧ના ભૂકંપના દિવંગતોની સ્મૃતિમાં બનેલું આ મ્યુઝિયમ ભારતનું સૌથી અદ્યતન ટેક્નોલોજી ધરાવતું મ્યુઝિયમ છે, જ્યાં મુલાકાતીઓ ભૂકંપનો જીવંત અનુભવ (સિમ્યુલેટર દ્વારા) કરી શકે છે.
📸 Gujarat Museums
-
સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય (ભુજ)
-
દાંડી કુટીર મ્યુઝિયમ (ગાંધીનગર)
-
વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (વડનગર)
-
નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (લોથલ)
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી મ્યુઝિયમ (કેવડિયા)
સ્મૃતિવન માત્ર સંગ્રહાલય નથી, એક જીવંત અનુભૂતિ છે
ભુજના ભુજિયા ડુંગર પર આકાર પામેલું સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય અને સ્મારક આજે માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્મૃતિવનની મુલાકાત લેનારા પ્રવાસીઓએ આ સંગ્રહાલયને કુદરતી આફતો સામે ખુમારીથી ઊભી થતા ગુજરાતનું પ્રતિક ગણાવ્યું છે.
મ્યુઝિયમની અંદર ઊભા કરાયેલા થિયેટર અને ડિજિટલ માધ્યમો વિશે વાત કરતા પ્રવાસીઓએ જણાવ્યું કે, અહીં આવીને ૨૦૦૧ના એ ભયાનક ભૂકંપનો વાસ્તવિક અહેસાસ થાય છે. ભૂકંપ સમયે લોકો પર શું વીતી હશે અને ત્યારબાદ આખું ગુજરાત કેવી રીતે બેઠું થયું અને નવસર્જન પામ્યું, તેની પ્રેરણાદાયી ગાથા મુલાકાતીની આંખો ભીની કરી જાય છે.
દાંડી કુટીર: બાપુના આદર્શોની અનુભૂતિ
ગાંધીનગરમાં વર્ષ 2015માં નિર્માણ પામેલા દાંડી કુટિર મ્યુઝિયમ મહાત્મા ગાંધીના જીવન અને વિચારોને આધુનિક ટેક્નોલોજી દ્વારા લોકો સુધી પહોંચાડ્યા છે. દાંડી કુટિર એ 41 મીટર ઊંચો શંકુ આકારનો ગુંબજ છે જે મીઠાના ઠગલાનું પ્રતિક છે. વર્ષ 1930માં મહાત્મા ગાંધીજી દ્વારા કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહનું પ્રતિક છે.
દાંડી કુટીરમાં પ્રકાશ, ધ્વનિ, એનિમેશન અને મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા સ્વાતંત્ર્ય આંદોલનની ગાથા જીવંત બને છે. દાંડી કુટિરે સાબિત કર્યું કે મ્યુઝિયમ માત્ર પ્રદર્શનનું કેન્દ્ર નહીં પરંતુ પ્રેરણાનું માધ્યમ પણ બની શકે છે.
વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમ:
વર્ષ 2025માં નિર્માણ પામેલું આ મ્યુઝિયમ વડનગરના હજારો વર્ષ જૂના ઇતિહાસ અને ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોને જીવંત રાખવા માટે બનાવાયું છે. આ મ્યુઝિયમ ભારતમાં આ પ્રકારનો પ્રથમ ઉત્ખનન સ્થળનો અનુભવ તથા ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોને પ્રદર્શિત કરે છે.
આ અદ્યતન આર્કિયોલોજિકલ મ્યુઝિયમમાં ઈમર્સિવ ટેક્નોલોજી જેમ કે, AR/VR, 3D ડિસ્પ્લે, પ્રતિકૃતિ અને ડાયોરામાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્થળ આંતરિક અવલોકન દ્વારા 2500 વર્ષના 7 સાંસ્કૃતિક તબક્કાઓના કાલક્રમિક વિકાસનો અનન્ય અનુભવ અને સમજ આપશે.
લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ: (નિર્માણાધીન)
ભારતની પ્રાચીન દરિયાઈ શક્તિ અને સિંધુ ખીણની સભ્યતાના વારસાને ઉજાગર કરતું આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રોજેક્ટ આ ગાળા દરમિયાન વેગવંતું બન્યું છે. લોથલમાં બની રહેલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ એ વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ છે. વિશ્વની સૌથી પ્રાચીન શહેરી સંસ્કૃતિઓમાંની એક સિંધુ ખીણ સંસ્કૃતિના મહત્વપૂર્ણ બંદર શહેર તરીકે ઓળખાતું લોથલ આજે ફરી એકવાર વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બની રહ્યું છે. લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ માત્ર મ્યુઝિયમ નહીં પરંતુ ભારતના સમૃદ્ધ સમુદ્રી ઇતિહાસ અને વૈશ્વિક વેપાર પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરતું એક ભવ્ય સાંસ્કૃતિક કેન્દ્ર બનશે.
પરંપરાગત મ્યુઝિયમોમાં જ્યાં માત્ર વસ્તુઓ પ્રદર્શિત થતી હતી, ત્યાં લોથલમાં મુલાકાતીઓને હજારો વર્ષ જૂના બંદર શહેરની જીવંત અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અદ્યતન ડિજિટલ ટેક્નોલોજી, ઇમર્સિવ ગેલેરીઓ, વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન, સમુદ્રી વેપારના મોડેલો અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શન દ્વારા મુલાકાતીઓ પ્રાચીન ભારતના વૈશ્વિક વેપાર અને નૌકાયન કૌશલ્યને નજીકથી જાણી શકશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મ્યુઝિયમ (કેવડિયા):
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણના ઇતિહાસને દર્શાવતું અત્યાધુનિક મ્યુઝિયમ આ વિઝનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગુજરાત સરકાર આગામી સમયમાં પણ રાજ્યની અસ્મિતા, સંસ્કૃતિ અને ઇતિહાસને વૈશ્વિક ફલક પર લઈ જવા તથા નવી પેઢીને પોતાની વિરાસત પ્રત્યે ગૌરવ થાય તેવા આધુનિક પ્રકલ્પો માટે કટિબદ્ધ છે.
