Western Times News

Gujarati News

પાક-ચીનમાં ફફડાટઃ ભારતે પરમાણુ હથિયારો કર્યા તૈનાત

પ્રતિકાત્મક

ભારતે પરમાણુ મિસાઈલો લોન્ચ કરવા સક્ષમ એવી બે સ્વદેશી સબમરીન INS અરિઘાત અને INS અરિદમન ને ઓપરેશનલ પેટ્રોલ માટે સમુદ્રમાં તૈનાત કરી દીધી છે.

‘ઓપરેશન સિંદૂર’માં પાકના ન્યુક્લિયર બેઝ પર કર્યો હતો હુમલો

નવી દિલ્હી, દુનિયાભરમાં હથિયારો અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ‘સિપ્રી’ ના તાજા વાર્ષિક અહેવાલે પાકિસ્તાન અને ચીનના સંરક્ષણ મંત્રાલયોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ઇતિહાસમાં પહેલીવાર પોતાના ઓછામાં ઓછા ૧૨ પરમાણુ હથિયારોને તુરંત હુમલો કરી શકે તેવી ‘ઓપરેશનલ સ્થિતિ’ માં તૈનાત કરી દીધા છે.

આ ઉપરાંત, આ અહેવાલમાં ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ (૭-૧૦ મે ૨૦૨૫)ને લઈને મોટો ખુલાસો કરાયો છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના પરમાણુ હથિયારોના મુખ્ય ઠેકાણાઓ પર જ સીધો એરસ્ટ્રાઈક હુમલો કર્યો હતો.

ભારતે બદલી દાયકાઓ જૂની પરમાણુ નીતિઃ ૧૨ હથિયારો હુમલા માટે સજ્જ -અત્યાર સુધી વૈશ્વિક સ્તરે એવું માનવામાં આવતું હતું કે ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ હથિયારો અને તેને લઈ જનારી મિસાઈલો કે લોન્ચર્સને અલગ-અલગ સ્ટોરેજમાં સુરક્ષિત રાખે છે. જોકે સિપ્રીના રિપોર્ટ અનુસાર ચીન અને પાકિસ્તાન તરફથી વધી રહેલા સંભવિત જોખમોને જોતાં ભારતે દાયકાઓ જૂની આ વ્યવસ્થા બદલી નાખી છે.

ભારતે હવે પોતાના ૧૨ પરમાણુ વોરહેડ્‌સને કાયમી ધોરણે તેના ડિલિવરી સિસ્ટમ (મિસાઈલ, યુદ્ધપોત અથવા લડાકુ વિમાનો) સાથે એટેચ કરીને સરહદી કે દરિયાઈ સૈન્ય મથકો પર તૈનાત રાખ્યા છે. આ કદમનો મુખ્ય હેતુ એ છે કે જો દુશ્મન દેશ ભારત પર પરમાણુ હુમલો કરવાની કોશિશ પણ કરે, તો ભારત સેકન્ડોના સમયમાં પલટવાર કરીને તેની પરમાણુ જવાબી કાર્યવાહી કરી શકે.

રિપોર્ટ અનુસાર ઓગસ્ટ ૨૦૨૪થી ભારતે પરમાણુ મિસાઈલો લોન્ચ કરવા સક્ષમ એવી બે સ્વદેશી સબમરીન INS અરિઘાત અને INS અરિદમન ને ઓપરેશનલ પેટ્રોલ માટે સમુદ્રમાં તૈનાત કરી દીધી છે. આ સબમરીનો મહિનાઓ સુધી સમુદ્રના પેટાળમાં રહીને સીધી સૈન્ય લીડરશિપ સાથે કનેક્ટેડ રહે છે. ભારતની ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિ હેઠળ આ સબમરીન ભારતની સૌથી મોટી સુરક્ષા ઢાલ માનવામાં આવે છે.

૭ થી ૧૦ મે ૨૦૨૫ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા હાઈ-વોલ્ટેજ સૈન્ય ઘર્ષણ ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ વીતી ગયું હોવા છતાં વૈશ્વિક એજન્સીઓ હજુ પણ ભારતની આક્રમક તાકાતની પ્રશંસા કરી રહી છે. સિપ્રીના અહેવાલે આ ઓપરેશનને લઈને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે પોલ ખોલી દીધી છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં થયેલા વિસ્ફોટોના વીડિયો વાયરલ થયા હતા. સિપ્રીએ પુષ્ટિ કરી છે કે કિરાના હિલ્સ વાસ્તવમાં પાકિસ્તાનનું સૌથી મોટું પરમાણુ હથિયાર સંગ્રહ કેન્દ્ર છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ રડાર તોડીને રાઈટ ડાયરેક્શનમાં ઘૂસીને રાત દરમિયાન પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત ‘નૂરખાન એરબેઝ’ પર આવેલા ‘ન્યુક્લિયર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ને પણ સીધું ટાર્ગેટ કર્યું હતું.

ભારતે પાકિસ્તાનના જે જે એરબેઝ અને મિસાઈલ લોન્ચિંગ પેડ્‌સ તબાહ કર્યા હતા, તે તમામ પાકિસ્તાનની ન્યુક્લિયર ચેઈન સાથે જોડાયેલા હતા. આ ઓપરેશન બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના વર્ષો જૂના પરમાણુ બ્લેકમેલિંગના ફુગ્ગાને કાયમ માટે ફોડી નાખ્યો છે. જોકે, આ તણાવ છતાં બંને દેશોએ પરમાણુ સીમા વટાવી નહોતી જે મોટી રાહત હતી.

રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૬ સુધીના ડેટા પ્રમાણે ભારત પાકિસ્તાન કરતાં વધુ ઝડપથી અને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે પોતાના પરમાણુ હથિયારોનો વિકાસ કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.