ઈઝરાયલના PM નેતન્યાહૂના એક આક્રમક પગલાએ આખી શાંતિ પ્રક્રિયા પર સવાલો ઊભા કરી દીધા
ઈઝરાયલે લેબેનાન પર બોમ્બ ઝીંક્યા
નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સીધા યુદ્ધને રોકવા માટે એક મોટા કરારના અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના એક આક્રમક પગલાએ આખી શાંતિ પ્રક્રિયા પર સવાલો ઊભા કરી દીધા છે.
ઈરાન સાથે પરદા પાછળ ચાલી રહેલી વાતચીત અને સામસામે હુમલા રોકવાના પ્રયાસો વચ્ચે, ઈઝરાયલી વાયુસેનાએ અચાનક લેબેનાનના દક્ષિણ ભાગો પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક સ્તરે એ ચર્ચા તેજ થઈ છે કે શું નેતન્યાહૂ ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ વ્યૂહનીતિના એજન્ડાને બગાડવાના માર્ગે ચાલી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન સાથે જોડાયેલો છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવને કાયમી ધોરણે પૂરો કરવા માટે ઐતિહાસિક કરારની ખૂબ નજીક છે. અમેરિકાની મધ્યસ્થતાને કારણે જ છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશોએ એકબીજાની મુખ્ય ધરતી પર સીધા મિસાઇલ હુમલા બંધ કર્યા હતા.
પરંતુ આ કરાર ફાઇનલ થાય તે પહેલા જ ઈરાને ખૂબ કડક ચેતવણી આપી દીધી છે. તેહરાને સત્તાવાર રીતે જણાવ્યું છે કે જો ઈઝરાયલ દક્ષિણ લેબેનાનમાં પોતાની આક્રમકતા ચાલુ રાખશે, તો ઈરાન ચૂપ નહીં બેસે અને ઈઝરાયલે તેનાથી પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબેનાન અને હિઝબુલ્લાહની સુરક્ષા તેની પોતાની સંપ્રભુતા જેટલી જ મહત્ત્વની છે. ઈરાનની સીધી ધમકી બાદ પણ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને તેમના સંરક્ષણ મંત્રીનું વલણ અત્યંત કડક રહ્યું છે. ઈઝરાયલી સત્તાધીશોએ અમેરિકાના દબાણ અને ઈરાનની ચેતવણી બંનેને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ દક્ષિણ લેબેનાનમાં હિઝબુલ્લાહના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનું અભિયાન કોઈ પણ સંજોગોમાં રોકશે નહીં.
