અરણેજ ખાતે કૃષિ વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ખેડૂતોને આપ્યું આધુનિક ખેતીનું માર્ગદર્શન
ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ ખાતે યોજાયેલી તાલીમ શિબિરમાં ડાંગર ઉપરાંત બાગાયતી પાકો અને મિલેટ્સ અપનાવવા અનુરોધ
4 તાલુકાના 25 ગામોના ખેડૂતો માટે ખરીફ પાક પૂર્વ તૈયારી તાલીમ સંપન્ન
બાવળાની ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજના સંયુક્ત સહયોગથી એક વિશેષ કૃષિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતેની આ તાલીમમાં સાણંદ, બાવળા, વિરમગામ અને લીંમડી તાલુકાના કુલ 25 ગામોના ખેડૂતોએ ખરીફ પાકની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. નિતિનભાઈ રાઠોડે ખેડૂતોને જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવા અને તેના અતિરેકથી થતા નુકસાન વિશે વિગતવાર સમજ આપી હતી.
ડૉ. ભાસ્કર જેઠવાએ બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે અને ડૉ. હર્ષ દેસાઈએ જમીનમાં રહેલા સૂક્ષ્મ તત્વોના મહત્વ અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાગાયત અધિકારી સુશ્રી રીધ્ધીબહેન વસરાએ સરકાર દ્વારા બાગાયતી પાકો માટે ચલાવવામાં આવતી વિવિધ સહાય યોજનાઓની માહિતી આપી હતી.
આ પ્રસંગે ટાટા મોટર્સના સીએસઆર હેડ શ્રી સંપાદાસ ઘોષે ખેડૂતોની ભૂમિકાને બિરદાવતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશ ખેડૂતો પર આધારિત છે અને જો ખેડૂત ખેતી છોડી દેશે તો દેશ સામે મોટું સંકટ આવી શકે છે, તેથી તેમની કંપની હંમેશા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા અને તેમની મદદે ઊભી રહેવા કટિબદ્ધ છે. ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાન્તિભાઈ મકવાણાએ પણ જણાવ્યું હતું કે ટ્રસ્ટ હંમેશા ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.
આ સત્રમાં પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીના એમ.ડી. શ્રી કાશીરામભાઈ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીના પોતાના સફળ અનુભવો રજૂ કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, મોટાભાગના ખેડૂતો માત્ર ‘ગુર્જરી’ જાતની ડાંગરનું જ વાવેતર કરે છે જેના કારણે તેમને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી, તેથી ડાંગરની અન્ય વિવિધ જાતોનું વાવેતર કરવું જોઈએ. ખેડૂતોની આવક વધારવા માટે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ, ટાટા મોટર્સ અને બાગાયત વિભાગના સહયોગથી એક વિશેષ ‘વાડી યોજના’ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોને એક વિઘા જમીનમાં બાગાયતી પાક કરવા માટે વિનામૂલ્યે રોપા આપવામાં આવશે.
આ ઉપરાંત, આગામી ચોમાસું થોડું નબળું રહેવાની સંભાવના હોવાથી, જે ખેડૂતો મિલેટ્સનું વાવેતર કરવા માંગતા હોય તેમને પણ એક વિઘા માટેના રોપા વિનામૂલ્યે પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.
નાણાકીય જાગૃતિના ભાગરૂપે લીડ બેંકના ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી કમલેશકુમાર મીનાએ ખેડૂતોને કે.સી.સી. (કિસાન ક્રેડિટ કાર્ડ) યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ફાઈનાન્સિયલ કાઉન્સિલર શ્રી પીનાકીન દવેએ મોબાઈલ ફોન દ્વારા થતા ઓનલાઈન આર્થિક ફ્રોડથી કેવી રીતે બચવું તેની મહત્વની ટિપ્સ આપી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.
