અમદાવાદ એરપોર્ટ સુધી સીધી મેટ્રો કનેક્ટિવિટી મળશેઃ મેટ્રો ફેઝ 2Aના રૂ. ૨,૧૬૯ કરોડના ખર્ચને મંજૂરી
ફેઝ 2A કોરિડોરમાં આવનારા સ્ટેશનો: આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ
નવી દિલ્હી, ૧૦ જૂન, 2026, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ૨(એ) (Phase 2(A)) ને મંજૂરી આપી દીધી છે. આ નવો કોરિડોર ૬.૦૩૨ કિમી લાંબો હશે અને તેમાં પાંચ સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાંથી ચાર એલિવેટેડ (ઊંચા) અને એક અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) હશે.
કેબિનેટની સત્તાવાર યાદી અનુસાર, ફેઝ ૨(એ) કોરિડોરમાં આવનારા સ્ટેશનોના નામ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે. બાંધકામ દરમિયાન લાગનારા વ્યાજ સહિત આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹૨,૧૬૯.૦૪ કરોડ થશે.
૭૭.૬૩ કિમીનું થશે નેટવર્ક, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને પણ મળશે વેગ
ફેઝ ૨(એ) શરૂ થવાની સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં કુલ ૭૭.૬૩ કિમીનું સક્રિય (એક્ટિવ) મેટ્રો રેલ નેટવર્ક થઈ જશે. આ પ્રોજેક્ટ શહેરમાં મેટ્રો રેલ નેટવર્કનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. ૬.૦૩૨ કિમીના નવા મેટ્રો કોરિડોરના વિકાસથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મોટો સુધારો થશે, કારણ કે તે એરપોર્ટ સુધી સીધી કનેક્ટિવિટી આપશે અને એવા મહત્વના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જોડશે જ્યાં હાલમાં ટ્રાન્સપોર્ટની પૂરતી સુવિધા નથી.
સરકારી નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વર્લ્ડ પોલીસ ગેમ્સ ૨૦૨૯’ અને ‘કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦’ માટે આ વિસ્તારની આસપાસ રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી પણ શક્યતા છે.
દરરોજ 1.6 લાખ લોકો અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરે છેઃ 54 સ્ટેશનો અને 68 કિમી નેટવર્ક
પ્રોજેક્ટના મુખ્ય ફાયદાઓ:
-
આર્થિક અને પ્રવાસન વિકાસ: આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડીને, ફેઝ ૨(એ) માત્ર કનેક્ટિવિટી જ નહીં વધારે પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રવાસનને પણ વેગ આપશે.
-
ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો: મેટ્રો રેલ નેટવર્કને એરપોર્ટ સુધી લંબાવવાથી અમદાવાદ શહેરમાં રોડ ટ્રાફિકનું ભારણ ઘટશે, જેનાથી વાહનોની અવરજવર સરળ બનશે, મુસાફરીનો સમય બચશે અને માર્ગ સલામતીમાં વધારો થશે. આ સાથે જ કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
-
ઉત્પાદકતામાં વધારો: એરપોર્ટ, રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો જેવા શહેરના વિવિધ ભાગોમાં અવરજવર સરળ થવાથી લોકો વધુ ઝડપથી પોતાના કાર્યસ્થળ સુધી પહોંચી શકશે.
-
સ્થાનિક વેપારને વેગ: નવી કનેક્ટિવિટીને કારણે મેટ્રો સ્ટેશનોની નજીકના વિસ્તારોમાં સ્થાનિક વ્યવસાયોનો વિકાસ થશે અને જે વિસ્તારોમાં અત્યાર સુધી પહોંચવું મુશ્કેલ હતું ત્યાં રોકાણ આકર્ષી શકાશે.
૨,૫૦૦ લોકોને મળશે રોજગારી
અમદાવાદ મેટ્રો ફેઝ ૨(એ) ના બાંધકામની મુખ્ય પ્રક્રિયા (પીક પીરિયડ) દરમિયાન અંદાજે ૨,૦૦૦ લોકોને રોજગારી મળશે, જ્યારે આ સિસ્ટમના ઓપરેશન અને મેન્ટેનન્સ (સંચાલન અને જાળવણી) દરમિયાન વધુ ૫૦૦ લોકોને કામ મળવાની સંભાવના છે.
