હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્યું
(માહિતી) નર્મદા, એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઈના ખાતે ૨૩ અને ૨૪ મે, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
લેવલ-૩ જીમ્નાસ્ટિક ઈન્ટરનેશનલ કોચ. ડો.હિમાન્સુ ગૌરી શંકર દવેએ જણાવ્યું હતુ કે, કુ. ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી અને અનેક પડકારો સામે ઊભા રહેવું પડતું હતું.
પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી. સવાર-સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જિદ્દ તેને સતત આગળ ધપાવતી રહી. વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં એશિયન ચેમ્પિયનશીપમાં છઠ્ઠું સ્થાન મેળવનાર ફલકે વધારે મહેનત કરી, પરિણામે માત્ર બે વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં પાંચમું સ્થાન હાંસલ કર્યું. આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે સફળતા સતત સુધારાની પ્રક્રિયાનું પરિણામ હોય છે.
ફલકની સફળતા પાછળ તેના પરિવારનું અસાધારણ યોગદાન પણ છે. તેના પિતા ચંદ્રકાન્ત વસાવા ડિસ્ટ્રિક્ટ જીમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપતા શ્રીચંદ્રકાન્તભાઈની કાબિલિયત જોઈને ‘જીમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા’ એ તેમને એશિયન ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત થતા ભારતીય ટીમના કોચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા,
જ્યારે તેની શ્રીમતી મિકેતાબેન વસાવાએ સપ્ટેમ્બર ૨૦૨૫માં ટ્રેમ્પોલીન ઇન્ટરનેશનલ જજીંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર તેઓ એકમાત્ર મહિલા બન્યા હતા. એશિયન ટુર્નામેન્ટમાં જીમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી તેઓ ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા. આ પરિવારની રમત પ્રત્યેની સમર્પણ ભાવના દરેક માટે પ્રેરણારૂપ છે.
કુ. ફલક વસાવાએ જણાવ્યું હતું કે, માતા-પિતા, કોચ ડો. હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સતત સહયોગથી જ તે આ મુકામ સુધી પહોંચી છે. હવે તેનું આગામી લક્ષ્ય ૨૦૩૦માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે.
