મૃત પતિની સંપત્તિમાંથી બાકીનું ભરણપોષણ મળે, પણ તેમાં વધારો ન થાયઃ હાઇકોર્ટ
છૂટાછેડા લીધેલી પત્નીને જો આવી રકમમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવે તો કેસોનું ઘોડાપૂર આવી શકે છે ઃ હાઈકોર્ટ
મુંબઈ,બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે છૂટાછેડા લીધેલી પત્ની તેના મૃત્યુ પામેલા પતિની મિલકતમાંથી ભરણપોષણની બાકી રકમ વસૂલ કરી શકે છે, પરંતુ ભરણપોષણની રકમમાં વધારો કરવાની માંગ કરી શકે નહીં. જો આવી રકમમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવે તો કેસોનું ઘોડાપૂર આવી શકે છે.ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને ન્યાયમૂર્તિ મંજુષા દેશપાંડેની ખંડપીઠે મે મહિનામાં આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ભરણપોષણમાં યોગ્ય વધારો નક્કી કરવા માટે પત્નીની જરૂરિયાતો અને પતિની વાસ્તવિક આર્થિક ક્ષમતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે, પરંતુ પતિના મૃત્યુ પછી આ મહત્વપૂર્ણ પાસું ઉપલબ્ધ રહેતું નથી.
કોર્ટ નરેન ગોરેગાંવકરની ૬૨ વર્ષીય વિધવા વર્ષાએ દાખલ કરેલી અપીલની સુનાવણી કરી રહી હતી. વર્ષાએ ફેમિલી કોર્ટના એક આદેશને પડકાર્યાે હતો. અરજી મુજબ વર્ષા અને નરેન ગોરેગાંવકરના લગ્ન જાન્યુઆરી ૧૯૭૪માં થયાં હતાં, પરંતુ ૧૯૭૭માં બંને અલગ થઈ ગયાં હતાં. તેમને કોઈ સંતાન નહોતું. ૧૯૮૦માં નરેને છૂટાછેડા માટે અરજી કરી હતી. છૂટાછેડા મંજૂર થયા બાદ વર્ષાને દર મહિને ૬,૦૦૦ ભરણપોષણ ચૂકવવાનો નરેનને આદેશ અપાયો હતો. માર્ચ ૨૦૧૨માં નરેનના અવસાન પછી વર્ષાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
તેમણે બાકી રહેલી ભરણપોષણની રકમ વસૂલ કરવાની સાથે જીવનનિર્વાહ ખર્ચ અને તબીબી ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભરણપોષણની રકમ વધારવાની માંગ પણ કરી હતી. ફેબ્›આરી ૨૦૨૩માં ફેમિલી કોર્ટે વર્ષાને નરેનની મિલકતમાંથી બાકી રકમ વસૂલ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ભરણપોષણમાં વધારો કરવાની માંગ ફગાવી દીધી હતી. આ પછી વર્ષાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે ભરણપોષણ અંગેનો અંતિમ હુકમ બીજા વૈવાહિક કેસોની જેમ પતિના મૃત્યુ સાથે સમાપ્ત થતો નથી. તે પતિના મૃત્યુ પછી પણ અમલમાં રહી શકે છે. પતિના મૃત્યુથી ભરણપોષણના હુકમ પર કોઈ અસર થતી નથી. પરંતુ ભરણપોષણમાં વધારો કરવાની મંજૂરી આપવાથી અનિશ્ચિતતા ઊભી થશે અને નવા વિવાદો તથા કેસોની ભરમાર ઊભી થશે.SS1
