Western Times News

Gujarati News

કડીના વેપારી સાથે રૂ.૧૭ લાખની ઓનલાઈન ઠગાઈ

શેરબજારમાં નફાની લાલચે ભોગ બન્યા બાદ વેપારીએ ફરિયાદ કરતા પોલીસધારકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

મહેસાણા,કડીના એક વેપારી સાથે મુંબઈની કથિત ટ્રેડિંગ કંપનીના નામે બે શખ્સોએ રૂ.૧૭,૦૦,૮૦૪ ઓનલાઈન ઠગાઈ આચરતાં મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.કડીના દેત્રોજ રોડ પર ઉમિયા સોસાયટીમાં રહેતા અને ઊંઝા ખાતે ‘મૂનલાઈટ’ નામની ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા લોમેશભાઈ અમૃતભાઈ પટેલને ગત એપ્રિલ ૨૦૨૫ માં ફોન કરનારે તે સ્પાર્ટન ટ્રેડિંગ કંપની મુંબઈનો મેનેજર અમનભાઈ બોલતો હોવાની ઓળખ આપી હતી. તેણે તેમની કંપની શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ કરવા માટેની ટીપ્સ આપતી હોવાનું જણાવ્યું હતું.

લોમેશભાઈ શેરબજારમાં ટ્રેડિંગ કરતા હોવાથી તેમણે વોટ્‌સએપ પર ટિપ્સ મેળવવાનું શરૂ કર્યું હતું. તેણે આપેલી ટીપ્સથી શરૂઆતના એક જ અઠવાડિયામાં લોમેશભાઈને રૂ.૬ લાખનો નફો થયો હતો. દરમિયાન તેઓ કથિત કંપનીના સિનિયર અધિકારી સુરજભાઈના પણ સતત સંપર્કમાં આવ્યા હતા. થોડા સમય બાદ લોમેશભાઈને ટ્રેડિંગમાં નુકસાન થવા લાગ્યું હતું, જેથી તેમણે સુરજભાઈને ફોન કરીને તેમને થયેલા નુકશાન અંગે વાત કરતાં તેણે તમારા ડીમેટ એકાઉન્ટમાં બ્રોકરેજ વધુ કપાતું હોવાથી તમને વધુ લોસ જાય છે.

તમે અમારી કંપનીના ખાતામાં સીધા નાણાં નખાવો તો બ્રોકરેજ ઘટી જશે. જેથી લોસ રિકવર કરવાની અને વધુ નફો મેળવવાની લાલચમાં લોમેશભાઈ તેમની જાળમાં ફસાઈ ગયા હતા. અને આરોપીઓએ મોકલેલા જુદા-જુદા UPI આઈડી પર ૧ એપ્રિલ ૨૦૨૫થી ૨૩ જૂન ૨૦૨૫ દરમિયાન પોતાના, પોતાની પત્ની અસ્મિતાબેન તથા ભાઈ નીરવકુમારના બેંક ખાતાઓમાંથી કટકે-કટકે કુલ રૂ.૧૭,૦૦,૮૦૪ ટ્રાન્સફર કરી દીધા હતા.

લાખો રૂપિયાનું રોકાણ કર્યા બાદ પણ આરોપીઓ વધુ નાણાં રોકવા દબાણ કરતા હતા અને કોઈ નફો આપ્યો નહોતો પરંતુ નુકશાન થયું હોવાનું જણાવતા હતા. છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શંકા જતાં લોમેશભાઈએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ઓનલાઈન અરજી કરી હતી. જેની તપાસના અંતે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે સ્પાર્ટન ટ્રેડિંગ કંપનીના કથિત મેનેજરો અમનભાઈ અને સુરજભાઈ નાણાં ગયાં છે તેના ધારકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.