હાઈ-પ્રોફાઈલ દાણચોરી અને ડ્રગ્સ હેરાફેરીમાં મહિલાઓનો દબદબો
પ્રતીકાત્મક
સાત મોટા કેસમાં મહિલાઓ ઝડપાઈ
જેદ્દાહથી અમદાવાદ આવેલી પાલનપુરની ચાર મહિલા પેસેન્જર પાસેથી ૧.૫૩ કરોડના સોનાના દાગીના મળી આવ્યા હતા
અમદાવાદ,વર્ષાે પહેલા રિલીઝ થયેલી સંજય દત્ત અને શ્રીદેવીની ફિલ્મ ગુમરાહમાં જે રીતે શ્રીદેવીને ડ્રગ્સની હેરાફેરી કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે તેવી રીતે પોતાને ડ્રગ્સના ખોટા કેસમાં એક મિત્રએ ફસાવી દીધી છે આવો દાવો મોડેલ હર્ષા સોનીએ મુંબઈ એરપોર્ટ પર કર્યાે હતો. હર્ષા સોની થાઈલેન્ડથી મુંબઈ આવતી વખતે એરપોર્ટ પર ૧૧.૮૨ કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ ગઈ છે. આ તો થઈ એક મહિલાની વાત પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્મગલિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં મહિલાઓની સંડોવણી સતત વધી રહી હોવાનું સેન્ટ્રલ એજન્સીઓના ધ્યાનમાં આવ્યું છે.
દેશના મુખ્ય તમામ એરપોર્ટ પર છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા હાઈ-પ્રોફાઈલ દાણચોરી અને ડ્રગ્સ હેરાફેરીના કેસોમાં મહિલાઓની સંડોવણી વધી રહી હોવાની વાત સામે આવી છે. વર્ષ ૨૦૨૪થી ૨૦૨૬ દરમિયાન બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ અને સુરત એરપોર્ટ પર નોંધાયેલા મોટા કેસોમાં મહિલાઓ ઝડપાઈ છે.કસ્ટમ્સની ઓફિસ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૫માં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કેસમાં પૂર્વ ડીજીપીની પુત્રી રાનિયા રાવની દુબઈથી બેંગ્લોર પહોંચ્યા બાદ DRI દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી ૧૪.૨ કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની તે વખતે બજાર કિંમત આશરે ૧૨.૩૬ કરોડ હોવાનું બહાર આવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર જુલાઈ ૨૦૨૫માં અબુધાબીથી આવેલી મહિલા પેસેન્જર રસીદા પાસેથી ૧૨ કરોડ કિંમતની રિચાર્ડ મિલે બ્રાન્ડની લક્ઝરી ઘડિયાળ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર ૨૦૨૫માં ૧૭ લાખની રોલેક્સ ઘડિયાળ સાથે એક મહિલા અને અન્ય પેસેન્જરની પણ અટકાયત કરવામાં આવી હતી.સપ્ટેમ્બર ૨૦૨૫માં મુંબઈની હિમાની નામની યુવતી અમદાવાદ એરપોર્ટ પર ૪૩ લાખના આઈફોન સાથે ઝડપાઈ હતી. તપાસ દરમિયાન વિદેશ પ્રવાસના બહાને અંદાજે એક કરોડ રૂપિયાના આઈફોનની હેરાફેરી કર્યાનું પણ સામે આવ્યું હતું.જેદ્દાહથી અમદાવાદ આવેલી પાલનપુરની ચાર મહિલા પેસેન્જર પાસેથી ૧.૫૩ કરોડના સોનાના દાગીના મળી આવ્યા હતા.
આ કેસમાં પાલનપુરના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી.સુરત એરપોર્ટ પર સપ્ટેમ્બર ૨૦૨૫માં દુબઈથી આવેલી એક મહિલા અને તેના સાથી મુસાફર પાસેથી આશરે ૨૫ કરોડના ગોલ્ડ બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ૧૨ જૂન ૨૦૨૬ના રોજ મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે થાઈલેન્ડથી આવેલી મોડલ અને બ્યુટી પેજન્ટ રનર-અપ હર્ષા સોનીની કસ્ટમ વિભાગે અટકાયત કરી હતી. તેની પાસેથી ૧૧.૮૨ કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કસ્ટમ વિભાગના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં સામે આવેલા સાત મોટા હાઈ-પ્રોફાઈલ કેસોએ એક વાત સ્પષ્ટ કરી છે કે સેલિબ્રિટી, મોડલ કે VIP પેસેન્જર હોવાનો કોઈ વિશેષ લાભ કે તપાસની અસર થાય તેવી સુવિધા આપવામાં આવતી નથી. દરેક મુસાફરના સામાનનું સ્કેનિંગ, પ્રોફાઇલિંગ અને જરૂરી હોય ત્યારે સઘન ચેકિંગ કરવામાં આવે છે.અધિકારીઓના જણાવ્યા મુજબ, “મને કોઈએ પાર્સલ આપ્યું હતું”, “મને સામાન અંગે જાણ નહોતી” જેવા દાવાઓ તપાસ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવતા નથી.SS1
