‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા
AI image
સાબરમતી જેલમાં અમારી વિઝીટ દરમિયાન જોયુ છે કે કેદીઓ ઘણા સારા કામ કરી રહ્યા છે. તેઓ પેઇન્ટીંગ પણ સારા બનાવે છે.
(એજન્સી)અમદાવાદ, રાજયભરની જેલોમાં મહિલા કેદીઓ માટે ઓપન કરેક્ષ્નલ ઇન્સ્ટિટ્યુશન-OCI (ખુલ્લી જેલ) અને પુનઃ ઉત્થાન માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યકત કરી છે. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, મહિલા કેદીઓ સમાજમાં ઝડપથી નવેસરથી શરૂઆત કરી શકે તે માટે સરકારે યોજના લાવવી જોઇએ.
મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર ન હોવાથી સમાજ તેમને ગંભીરતાથી લેતો નથી. સ્ટેટ લીગલ સર્વિસ કમિટીને ૪ સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. એડવોકેટ ગૌતમ જોશીએ એવી રજૂઆત કરી હતી કે, મહિલા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય માટે તેમને મેન્ટલ ટ્રેઇનિંગની જરૂર છે.
ચીફ જસ્ટિસે એવી ટકોર કરી હતી કે, સમાજમાંથી પાછી પડી ગયેલી વ્યકિતને સમાજ તો ઠીક પણ તેમની અંગત વ્યકિત પણ સ્વીકારતી નથી. ત્યારે તેમની માનિસક હાલત વધુ દયનીય થઇ જાય છે અને જેલમાંથી બહાર નીકળેલી મહિલાઓની દરકાર કોઇ રાખતું નથી. આપણા સમાજની એ કરૂણતા છે. હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘સરકારે આવી મહિલાઓ માટે યોગ્ય ભૂમિકા ભજવવી જોઇએ.
સરકાર તરફે એડવોકેટ જનરલે મોનિટરીંગ કમિટીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમણે એવી રજૂઆત કરી હતી કે, ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે અને સુપ્રીમકોર્ટના નિર્દેશ મુજબ તેનું પાલન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેલમાં મનોચિકિત્સકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોર્ટે કહ્યુ કે, ‘મહિલાઓને તેમનું આત્મ સન્માન પાછું મળવુ જોઇએ. સાબરમતી જેલમાં અમારી વિઝીટ દરમિયાન જોયુ છે કે કેદીઓ ઘણા સારા કામ કરી રહ્યા છે. તેઓ પેઇન્ટીંગ પણ સારા બનાવે છે.
