આણંદના આંકલાવ-કોસિન્દ્રા રોડ ઉપર એસટી બસની અડફેટમાં વૃદ્ધનું મોત
Files Photo
પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
કોસિન્દ્રા ગામના વૃદ્ધ પડી ગયા બાદ ઉભા કરતી વખતે એસટી બસના ચાલકે બાઈક અને વૃદ્ધને અડફેટે લીધા હતા
આણંદ, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામની સીમમાં ખેતીવાડી સામે આંકલાવ કોસીન્દ્રા રોડ ઉપર ગુરુવારે રાત્રે પડી ગયેલા વૃદ્ધને પુત્ર સહિતના માણસો ઉભા કરતા હતા ત્યારે પૂરઝડપે આવી ચઢેલી એસટી બસના ચાલકે બાઈક અને વૃદ્ધને અડફેટમાં લઈ ટક્કર મારતા વૃદ્ધનું મોત નિપજ્યાની ફરિયાદ આંકલાવ પોલીસમથકમાં નોંધાઈ છે.આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામે ૬૦ વર્ષીય ચંદુભાઈ બુધાભાઈ પઢીયાર મજૂરી કામ કરી પરિવાર સાથે રહે છે.
ગુરુવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં રાજુભાઈના તેઓના ફળીયામાં રહેતા પ્રવીણભાઈ રતનભાઇ પઢીયારે આવીને જણાવેલ કે, કોસીન્દ્રા ખેતીવાડી સામે આંકલાવ કોસીન્દ્રા રોડ ઉપર તમારા પિતા ચંદુભાઇ પડી ગયા છે અને તેમનાથી ઉભું થવાતું નથી. જેથી રાજુભાઈ અને પ્રવીણભાઈ કનુભાઈનું બજાજ ડિસ્કવર બાઇક લઈને પિતાજીને લેવા માટે ગામની ખેતીવાડી સામે રોડ ઉપર ગયા હતા અને રાજુભાઈના પિતા ચંદુભાઈ રોડ ઉપર પડી ગયા હોવાથી અને ઉભા થવાતું ન હતું, જેથી રાજુભાઈ અને પ્રવીણભાઈ ચંદુભાઈને ઉભા કરીને બાઈક ઉપર બેસાડતા હતા.
આ વખતે આંકલાવ તરફથી પુરઝડપે રોંગસાઈડે આવી ચઢેલ એસટી બસના ચાલકે પોતાની બસ બાઈક ઉપર વૃદ્ધને બેસાડતા હતા તે તરફ ચલાવતા રાજુભાઈ અને પ્રવીણભાઈ કુદી બાજુમાં પડી ગયા હતા.જ્યારે એસટી ચાલકે ચંદુભાઈ તેમજ બાઇકને અડફેટમાં લઈ ટક્કર મારતા બાઈક ઉછળીના રોડની સાઈડમાં ગટરમાં પડ્યુ હતું. અને રાજુભાઈના પિતા પણ રોડ પર પડી ગયા હતા અને તેઓને ડાબા પગની જાંઘમાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
આ બનાવ બનતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ચંદુભાઈ બુધાભાઈ પઢીયારને તપાસીને મરણ જાહેર કર્યા હતા.આ બનાવ અંગે રાજુભાઈ ચંદુભાઈની ફરિયાદ લઈ આંકલાવ પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1
