Western Times News

Gujarati News

કડીના મોકાસણ ગામના આધેડને બેરહેમીથી માર મારતાં મોત

પ્રતિકાત્મક

પોલીસે ગામના યુવક સામે અગાઉ નોંધેલા ગુનામાં હત્યાની કલમ ઉમેરી

કડી તાલુકાના અણખોલ પાસે એક કંપનીના કમ્પાઉન્ડમાં ગત ૧૦ જૂને રાત્રે શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડામં એકનું મોત થયું હતું

મહેસાણા, કડી તાલુકાના મોકાસણના એક ખેતર માલિકે તેમના ભાગીયા તરીકે કામ કરતા ગામના આધેડને બુધવારે બપોર બાદ ઢોર માર મારતાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન શુક્રવારે મોત નિપજ્યું છે. કડી પોલીસે અગાઉ નોંધેલા મારામારીના ગુનામાં હત્યાની કલમ ઉમેરી આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી.મોકાસણ ગામના પ્રતાપજી મોહનજી ઠાકોર (ઉ.વ.૫૫) ગામના પટેલ ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈના ફાર્મ પર કામ કરતા હતા, તેમના પુત્ર શૈલેષજી બુધવારે સવારે કડી સેફાલી સર્કલ પાસે કડિયા કામે ગયેલા હતા.

દરમિયાન સાંજે છ વાગ્યે તેમનાં માતાએ ફોન કરીને તેમના પિતા પ્રતાપજીને કોઈએ માર માર્યાે હોવાનું કહીં જલ્દી ઘરે આવવાનું કહેતાં શૈલેષજી મોકાસણ આવતાં ગામની ડેરી પાસે વડલા નીચે તેમના પિતા ઊંઘેલા હતા. તેમના હાથ અને પગેથી લોહી આવતું હોઈ સારવાર માટે કુંડાળ ગામે હોસ્પિટલમાં લઈ ગયા હતા. રસ્તામાં પ્રતાપજીએ શૈલેષજીને જણાવ્યું હતું કે, તેઓ પટેલ ઘનશ્યામ ઉર્ફે લાલીના ફાર્મ પર કામ કરીને ઘરે આવેલા ત્યારે ઘનશ્યામે કોઈ કારણ વગર તેમને માર્યા છે. કુંડાળ ખાતે પ્રાથમિક સારવાર કરી તેમને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા.

પ્રતાપજી બેભાન થઈ ગયેલા હતા અને સારવાર ચાલુ હતી ત્યારે ગુરુવારે પરિવારજનો તેમને અમદાવાદથી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લાવતાં ત્યાં સારવાર શરૂ કરાઈ હતી. બેભાન પ્રતાપજીના બરડાના ભાગે ધોકા વડે માર મારેલો હતો તેમજ ડાબા હાથના ભાગે બે-ત્રણ ટાંક અને જમણા પગના ભાગે બે-ત્રણ ટાંકા લીધા હતા. શૈલૈષજીની ફરિયાદના આધારે કડી પોલીસે ઘનશ્યામ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન શુક્રવારે બપોર બાદ સારવાર દરમિયાન પ્રતાપજીનું મોત નિપજ્યું હતું, જેથી કડી પોલીસે હત્યાની કલમ ઉમેરીને તપાસ આગળ વધારી હતી.

કડી પીઆઈ એ.એસ.રબારીએ જણાવ્યું હતું કે, ભાગીયા તરીકે કામ કરતા પ્રતાપજીને ચોરીની આશંકાએ મુઢ માર મારતાં આંતરિક ઈજાઓના કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. હાલમાં આરોપી પટેલ ઘનશ્યામ ઉર્ફે લાલીને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરી છે.કડી તાલુકાના અણખોલ પાસે એક કંપનીના કમ્પાઉન્ડમાં ગત ૧૦ જૂને રાત્રે શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડામં એકનું મોત થયું હતું તેમજ ૧૧ જૂને રાત્રે નાનીકડીની સીમમાં એક રહેણાંક સ્કીમમાં ચોરી કરતાં પકડાયેલા બે યુવકોને ઢોર માર મારતાં એકનું મોત થયું હતું. જ્યારે રવિવારે રાત્રે બાલાસર ગામની સીમમાં આધેડની હત્યાની ઘટના બાદ હવે આ ચોથી હત્યાની ઘટના સામે આવતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.