હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં
File Photo
GSRTCને મુસાફરો તરફથી મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, સરેરાશ રેટિંગ 4.7 સ્ટાર સુધી પહોંચ્યું-; મુસાફરો તરફથી ઉત્તમ પ્રતિસાદ
માર્ચથી જૂન 2026 દરમિયાન 3.13 લાખથી વધુ મુસાફરોના ફીડબેક રિપોર્ટ મળ્યાં
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના* નેતૃત્વ હેઠળ ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સેવા ગુણવત્તાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ 5માંથી 4.7 સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે.
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના* માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં મુસાફરોની સુવિધા, સલામતી અને સેવાની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
રાજ્ય સંચાલિત બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. મુસાફરો મુસાફરી દરમિયાન QR કોડ સ્કેન કરીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સીધો પ્રતિસાદ આપી શકે છે. કોઇ સેવામાં ફરિયાદ હોય તો તે પણ જણાવી શકે છે.
શરૂઆતમાં આ ડિજિટલ વ્યવસ્થા માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ તેમાં સારો પ્રતિસાદ મળતા હવે GSRTCએ તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે. હાલમાં રાજ્યના 125 બસ સ્ટેશન, ડેપો કંટ્રોલ પોઈન્ટ્સ તેમજ 8,000થી વધુ બસોમાં QR કોડ લગાવવામાં આવ્યા છે.
આ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલા પ્રતિસાદ અનુસાર મુસાફરોએ GSRTCની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ વ્યક્ત કર્યો છે. પાંચ સ્ટારના માપદંડ પર આપવામાં આવેલા રેટિંગ્સ દર્શાવે છે કે મુસાફરો સેવાના વિવિધ પાસાઓથી ખુશ છે અને નિગમ દ્વારા મુસાફરીના અનુભવને વધુ સારો બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
GSRTCના 1 માર્ચથી 19 જૂન, 2026 સુધીના પેસેન્જસ ફિડબેક રિપોર્ટ મુજબ નિગમે 5માંથી 4.7 સ્ટારનું મજબૂત મુસાફર સંતોષ રેટિંગ પ્રાપ્ત કર્યું છે. આ અહેવાલ 3,13,824 મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર આધારિત છે, જે વિવિધ કામગીરીના માપદંડો પર નિગમની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ દર્શાવે છે.
સૂચનો અને ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “GSRTC માત્ર ફીડબેક એકત્રિત કરતી નથી, પરંતુ તેના આધારે સક્રિય રીતે કાર્યવાહી પણ કરે છે. મુસાફરો દ્વારા મોકલવામાં આવતી તમામ ફરિયાદો, સૂચનો અને મુદ્દાઓને તાત્કાલિક સંબંધિત વિભાગો તથા સ્થાનિક બસ ડેપો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રાપ્ત થયેલા પ્રતિસાદની વિલંબ વિના ચકાસણી કરવામાં આવે છે અને જરૂરી સુધારાત્મક પગલાં સ્થળ પર જ લેવામાં આવે છે. મુસાફરોને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાનો અમારો સંકલ્પ છે.”
GSRTCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોનો પ્રતિસાદ સંસ્થાની સતત પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાધન છે અને નિગમ સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત, વિશ્વસનીય તથા મુસાફરમૈત્રી પરિવહન સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
તમામ સેવાઓમાં ઊંચા રેટિંગ્સ
મુસાફરો તેમની મુસાફરીના વિવિધ પાસાઓને 1થી 5 સ્ટારના ધોરણે મૂલવે છે. સરેરાશ સ્કોર દર્શાવે છે કે મુસાફરો નિગમની કામગીરીથી ખૂબ જ સંતુષ્ટ છે:
• સ્ટાફનું વર્તન: 4.9 / 5.0 ★
• મુસાફરોની સુરક્ષા: 4.9 / 5.0 ★
• સ્વચ્છતા: 4.8 / 5.0 ★
• બેઠક આરામદાયકતા: 4.8 / 5.0 ★
• સમયસર સેવા (Punctuality): 4.8 / 5.0 ★
