Western Times News

Gujarati News

કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

એક આરોપી ઝડપાયો, એક રીઢા સહિત અમદાવાદના ત્રણ વોન્ટેડ

કડી તાલુકાની બલાસર કોલોનીમાં રહેતા ગોવિંદભાઇના મકાન પાછળના તેમના વાડામાંથી ૧૫ જૂને રાત્રે તસ્કરો ત્રણ ભેંસો ચોરી ગયા હતા

મહેસાણા, કડીના બલાસર કોલોની વિસ્તારમાંથી ભેંસો ચોરીને તેની કતલ કરવાના ગુનાનો ભેદ કડી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા એક આરોપીને વૈભવી ફોર્ચ્યુનર ગાડી સાથે ઝડપી લીધો છે, જ્યારે અમદાવાદના અન્ય ત્રણ સાગરીતોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.કડી તાલુકાની બલાસર કોલોનીમાં રહેતા ગોવિંદભાઇ રબારીના મકાન પાછળના તેમના વાડામાંથી ૧૫ જૂને રાત્રે તસ્કરો ત્રણ ભેંસો ચોરી ગયા હતા અને નજીકના તળાવ કિનારે ભેંસોની કતલ કરી માંસ લઈ ગયા હતા.

કડી પીઆઈ એ.એસ.રબારી અને તેમની ટીમે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શંકાસ્પદ સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી નજરે પડી હતી. હ્યુમન સોર્સથી તપાસ દરમિયાન પો.કો. રાજુભાઈને મળેલી બાતમી આધારે કડી-છત્રાલ રોડ પર વોચ ગોઠવીને પોલીસે ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર ગાડી સાથે શાહરૂખ બાબુભાઈ મેમણ (રહે. શાહઆલમ, અમદાવાદ)ને ઝડપી લીધો હતો. તેણે કબૂલાત કરી હતી કે, આ ગાડી શેખ આસીફ ઉર્ફે કોમલની છે. તા.૧૫ જૂને રાત્રે તે તથા શેખ આસીફ ઉર્ફે કોમલ અસલમભાઈ (રહે. વટવા, અમદાવાદ), શેખ સોહીલ ઉર્ફે રાજા ચાંદમીંયા (રહે. ગોમતીપુર, અમદાવાદ) અને મેમણ અયાન અયુબભાઈ (રહે. નારોલ, અમદાવાદ) એમ ચાર જણા આ ગાડી લઈને બલાસર કોલોની આવ્યા હતા અને વાડામાંથી ત્રણ ભેંસો ગાડીમાં ભરી, તળાવ કિનારે કાપીને માંસ લઈ ગયા હતા.

પોલીસે ફોર્ચ્યુનર ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર વોન્ટેડ ગાડીમાલિક શેખ આસીફ ઉર્ફે કોમલ સામે અગાઉ કડી, બાવલુ, જામનગર, કલોલ અને સાંતેજ પો.સ્ટે.માં ચોરીના તેમજ અમદાવાદના કારંજ, ઇસનપુર, વટવા અને ડીસીબી પો.સ્ટે.માં પશુ સંરક્ષણ, પ્રોહિબિશન સહિતના ૧૧ જેટલા ગુના નોંધાયેલા છે.મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન વાડામાં કે અન્ય સ્થળે બાંધેલાં પશુઓ ચોરીને તેમની કતલ કરી માંસ લઈ જતી ટોળકીઓ સક્રિય થતાં પોલીસે પણ તેમને ઝડપી લેવા કમર કસી છે.

બે દિવસ પહેલાં મહેસાણા એલસીબીએ પણ પાલાવાસણા ચોકડી નજીકથી અમદાવાદના ત્રણ રીઢા ચોરોને સ્વિફ્ટ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧,૩૯,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વિસનગરના ચિત્રોડીપુરામાં થયેલી પશુચોરીનો ભેદ ઉકેલ્યો હતો. સલમાન ગુલામુસ્તુફા કુરેશી (રહે. તીન દરવાજા, અમદાવાદ), મહોમંદધોષ મહમંદહનીફ કુરેશી અને મહોમંદરફીક મુખત્યાર શેખ (બંને રહે. બહેરામપુરા, અમદાવાદ)ને ઝડપી લીધા હતા. અને હિદાયતઉલ્લા ઉર્ફે હિદો હફીઝુદીન સૈયદ (રહે. નંદાસણ) અને જમીલભાઈ (રહે. અમદાવાદ) ને વોન્ટેડ જાહેર કરાયા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.