Western Times News

Gujarati News

વરસાદ ખેંચાતાં કચ્છમાં જળસંકટ ઘેરાયુંઃ ડેમોમાં પાણીનો જથ્થો તળિયે

૧૭૦ નાની સિંચાઈના ડેમોની સ્થિતિ વધુ ગંભીર

જિલ્લાના ૨૦ મધ્યમ ડેમોમાં તેની કુલ ક્ષમતાના માત્ર ૨૭ ટકા (૮૮.૧ મિલિયન ક્યુબિક મીટર) પાણી ઉપલબ્ધ

ભુજ,સુપર અલ નીનોની અસરને પગલે ચાલુ વર્ષે ચોમાસું વિલંબમાં પડતાં મેઘતૃષ્ણાનાં મુલક સમા કચ્છ જિલ્લા પર જળસંકટના વાદળો ઘેરાયા છે. સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં શરૂ થઈ જતું ચોમાસું હજુ સુધી ન બેસતાં જિલ્લાના જળસ્ત્રોતો ખાલી થઈ રહ્યા છે. હાલમાં કચ્છના મધ્યમ સિંચાઈના ડેમોમાં માત્ર ૨૭ ટકા અને નાની સિંચાઈના ડેમોમાં માંડ ૧૩ ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જે સમગ્ર રાજ્યમાં ઝોન વાઈઝ સૌથી ઓછો જળસંગ્રહ છે.

સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લાના ૨૦ મધ્યમ ડેમોમાં તેની કુલ ક્ષમતાના માત્ર ૨૭ ટકા (૮૮.૧ મિલિયન ક્યુબિક મીટર) પાણી ઉપલબ્ધ છે, જે ગત વર્ષ કરતાં બે ટકા ઓછું છે. આ પૈકીના પાંચ મુખ્ય ડેમો કાલિયા, રુદ્રમાતા, કાસવતી, નિરોણા અને ગજોડ સાવ તળિયા ઝાટક થઈ ગયા છે, જ્યારે અડધાથી વધુ ડેમોમાં માંડ ૩૦ ટકા આસપાસ પાણી બચ્યું છે. માત્ર પાંચ ડેમમાં જ કંઈક અંશે પૂરતો જથ્થો છે.બીજી તરફ, જિલ્લા પંચાયત હસ્તકના ૧૭૦ નાની સિંચાઈના ડેમોની સ્થિતિ વધુ ગંભીર છે, જેમાંના ૧૧૯ ડેમો સંપૂર્ણ ખાલી થઈ ગયા છે.

આ ડેમોમાં કુલ ક્ષમતા સામે માત્ર ૧૩ ટકા પાણી બચ્યું છે, જેમાંથી વાપરી શકાય તેવો જીવંત જથ્થો તો માંડ ૮ ટકા જ છે. આગામી સપ્તાહમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત હોઈ, હાલનો જથ્થો જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી જ ચાલે તેમ છે. જો ત્યાર પછી પણ વરસાદ ન થાય તો કચ્છમાં પાણીની સ્થિતિ અત્યંત કપરી બનવાના એંધાણ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.